
ઑકલૅન્ડ, નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે, ભારત માત્ર એક મોટું બજાર નથી, પરંતુ વૈશ્વિક વિકાસનું લોન્ચપેડ બની ગયું છે. તેમણે ન્યૂઝીલેન્ડના ઉદ્યોગજગતને ભારતની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા આહ્વાન કરતાં કહ્યું કે બંને દેશો વચ્ચેનું મુક્ત વેપાર કરાર (એફટીએ) વેપાર, રોકાણ, ટેકનોલોજી, સેવાઓ અને પ્રતિભાના આદાનપ્રદાન માટે નવા અવસરો ખોલશે.
ઑકલૅન્ડમાં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન સાથે બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઈઓ)ને સંબોધતા મોદીએ કહ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, કાયદાના શાસન, વિવિધતા અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે જોડાયેલા છે. આ જ આધાર બંને દેશોની આર્થિક ભાગીદારીને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે.
તેમણે કહ્યું કે બંને દેશોએ માત્ર નવ મહિનાના રેકોર્ડ સમયમાં મુક્ત વેપાર કરાર પૂર્ણ કર્યો છે, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક ઐતિહાસિક સિદ્ધિ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને દેશો વર્ષ 2030 સુધી દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 7 અબજ ન્યૂઝીલેન્ડ ડોલર (આશરે 35 હજાર કરોડ રૂપિયા) સુધી પહોંચાડવાના લક્ષ્યને હાંસલ કરશે.
વડાપ્રધાને કહ્યું કે, ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ માત્ર રોકાણ નથી, પરંતુ ભારતની વિકાસયાત્રામાં સહભાગી બનવાનો સંકલ્પ પણ છે.
મોદીએ કહ્યું કે, ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી મુખ્ય અર્થવ્યવસ્થા છે. દેશનો ઝડપથી વધતો મધ્યવર્ગ, ડિજિટલ ક્રાંતિ, આધુનિક આધારભૂત માળખું, કુશળ યુવા કાર્યબળ અને સતત થઈ રહેલા આર્થિક સુધારા રોકાણકારો માટે અભૂતપૂર્વ અવસરો પૂરા પાડે છે. તેમણે કહ્યું કે, ભારતમાં નીતિની સ્થિરતા, રાજકીય સ્થિરતા અને સતત વિકાસે તેને વૈશ્વિક આર્થિક વૃદ્ધિનું મહત્વપૂર્ણ એન્જિન બનાવી દીધું છે.
તેમણે કહ્યું, દુનિયા માટે અમારો સંદેશ સ્પષ્ટ છે—ભારત માત્ર એક બજાર નથી, પરંતુ વૈશ્વિક વિકાસનું લોન્ચપેડ છે.
વડાપ્રધાને ઉદ્યોગજગતને ઉત્પાદન આધારિત પ્રોત્સાહન (પીએલઆઈ) યોજનાનો લાભ લેવા અનુરોધ કરતાં કહ્યું કે ખાદ્ય પ્રોસેસિંગથી લઈને કાપડ ઉદ્યોગ સહિત 14 ક્ષેત્રોમાં લગભગ 20 અબજ ડોલરનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે ન્યૂઝીલેન્ડની કંપનીઓને ભારતના ઉત્પાદન ક્ષેત્રનો ભાગ બનવા આહ્વાન કર્યું.
તેમણે કહ્યું કે, ભારતમાં હવાઈમથકો, પ્રાદેશિક હવાઈ જોડાણ, એર કાર્ગો અને પર્યટનનો ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે તથા દેશ દુનિયાનું ત્રીજું સૌથી મોટું ઘરેલુ વિમાનન બજાર બની ચૂક્યું છે. તેમણે બંને દેશો વચ્ચે કાર્ગો કોરિડોર, ઉડાન જોડાણ અને સંયુક્ત પર્યટન પેકેજ વિકસાવવાનો સૂચન કર્યો.
મોદીએ કહ્યું કે ભારત ફિનટેક ક્ષેત્રમાં વૈશ્વિક અગ્રણી છે અને દુનિયાના લગભગ 50 ટકા રિયલ-ટાઇમ ડિજિટલ ચુકવણાં ભારતમાં થાય છે. તેમણે જણાવ્યું કે, અંતરિક્ષ ક્ષેત્રને ખાનગી ભાગીદારી માટે ખોલ્યા બાદ દેશમાં 400થી વધુ સ્પેસ સ્ટાર્ટઅપ કાર્યરત છે, જેમાં એક યુનિકોર્ન પણ સામેલ છે.
તેમણે કહ્યું કે, મુક્ત વેપાર કરારમાં માઓરી સમુદાયના વ્યવસાયોને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ સહિયારા મૂલ્યોના આધાર પર સમાવેશી અને ટકાઉ વેપારનું નવું મોડેલ વિકસાવી શકે છે.
વડાપ્રધાને બંને દેશોના ઉદ્યોગજગતને એક મહત્ત્વાકાંક્ષી વ્યાપારિક રોડમેપ તૈયાર કરવા અનુરોધ કરતાં કહ્યું કે, બંને પક્ષો પોતાની-પોતાની શક્તિઓને જોડીને ઓછામાં ઓછા પાંચ મુખ્ય સંયુક્ત પ્રોજેક્ટોની ઓળખ કરે તથા તેમની સમયબદ્ધ પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે એક અસરકારક સમીક્ષા તંત્ર વિકસાવે. તેમણે કહ્યું કે, આથી જ ભારત-ન્યૂઝીલેન્ડ આર્થિક ભાગીદારીની વાસ્તવિક ક્ષમતાનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ