ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી ઉન્નત કરશે, 2030 સુધી દ્વિપક્ષીય વેપાર 35 હજાર કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક
નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) ભારત અને ન્યૂઝીલેન્ડે પોતાના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર સુધી ઉન્નત કરવાની જાહેરાત કરી છે. બંને દેશોએ વર્ષ 2030 સુધી દ્વિપક્ષીય વેપારને 7 અબજ ન્યૂઝીલેન્ડ ડોલર (લગભગ 35,000 કરોડ) સુધી પહોંચાડવાનો લક્ષ્
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડ ના ક્રિસ્ટોફર લક્સન


નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) ભારત અને ન્યૂઝીલેન્ડે પોતાના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર સુધી ઉન્નત કરવાની જાહેરાત કરી છે. બંને દેશોએ વર્ષ 2030 સુધી દ્વિપક્ષીય વેપારને 7 અબજ ન્યૂઝીલેન્ડ ડોલર (લગભગ 35,000 કરોડ) સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે પોતાના સમકક્ષ ક્રિસ્ટોફર લક્સન સાથે ઓકલેન્ડમાં યોજાયેલી શિખર બેઠકમાં 'રોડમેપ ટુ 2030'ને મંજૂરી આપી. વિદેશ મંત્રાલય અનુસાર, આ આગામી ચાર વર્ષમાં દ્વિપક્ષીય સહકારને નવી દિશા આપવા અને ભાગીદારીને મજબૂત બનાવવા માટેની સંયુક્ત કાર્યયોજનાનો આધાર બનશે.

બંને દેશોના પ્રધાનમંત્રીઓ વાટાઘાટ બાદ સમજૂતીપત્રોના આદાન-પ્રદાનના સાક્ષી બન્યા. ત્યારબાદ વિદેશ મંત્રાલય તરફથી જાહેરાતો અને કરારોની માહિતી આપવામાં આવી.

મંત્રાલય અનુસાર, બંને દેશો વચ્ચે સમુદ્રી સુરક્ષા સહકારને મજબૂત બનાવવા માટે સમુદ્રી સુરક્ષા સંવાદ શરૂ કરવામાં આવશે. ન્યૂઝીલેન્ડ ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવના સમુદ્રી સુરક્ષા સ્તંભમાં જોડાશે. ન્યૂઝીલેન્ડ ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સમાં પણ જોડાશે. કૃષિ સહકાર હેઠળ કીવીફ્રૂટ એક્શન પ્લાન શરૂ કરવામાં આવશે અને નાગાલેન્ડ તથા ઉત્તરાખંડમાં કીવી ફળના બે સેન્ટર ઑફ એક્સેલન્સ સ્થાપિત કરવામાં આવશે.

આ ઉપરાંત, રાષ્ટ્રીય ધ્રુવીય અને સમુદ્રી સંશોધન કેન્દ્ર (એનસીપીઓઆર), ગોવા અને કેન્ટરબરી યુનિવર્સિટી વચ્ચે અંટાર્કટિક સંશોધન પર સહકાર તથા નિફ્ટેમ-કુંડલી અને મેસી યુનિવર્સિટી વચ્ચે ખાદ્ય પ્રૌદ્યોગિકી, સંશોધન, વિદ્યાર્થી આદાન-પ્રદાન અને શૈક્ષણિક સહકાર માટે સમજૂતી કરવામાં આવી.

બંને દેશોના નેતાઓ વચ્ચે આજે થયેલી વાટાઘાટ દરમિયાન કુલ 18 કરારો અને વ્યવસ્થાઓ પર સહમતિ બની. તેમાં રક્ષા અને સમુદ્રી સુરક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા ચાર મુખ્ય કરારોનો સમાવેશ થાય છે, જેમાં સમુદ્રી સહકાર, હાઇડ્રોગ્રાફી અને નોટિકલ કાર્ટોગ્રાફી, ભારતીય નૌસેના અને ન્યૂઝીલેન્ડ ડિફેન્સ ફોર્સ વચ્ચે પરસ્પર લોજિસ્ટિક સહાયતા તથા આતંકવાદ-વિરોધી સંયુક્ત કાર્યસમૂહની સ્થાપના સામેલ છે.

એક કરાર આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં થયો, જ્યારે એક-એક કરાર પશુપાલન અને ડેરી, પ્રવાસન તથા સાંસ્કૃતિક સહકાર સંબંધિત છે. રમતગમત ક્ષેત્રમાં ભારત-ન્યૂઝીલેન્ડ સંયુક્ત કાર્યયોજનાને અપનાવવામાં આવી.

આ ઉપરાંત, ગુજરાતના લોથલ સ્થિત રાષ્ટ્રીય સમુદ્રી વારસા પરિસરના વિકાસ માટે ન્યૂઝીલેન્ડ મેરિટાઇમ મ્યુઝિયમ સાથે એક વ્યવસ્થા કરવામાં આવી. સાથે જ કલા, વારસા અને સાંસ્કૃતિક પહેલોના આદાન-પ્રદાન દ્વારા સાંસ્કૃતિક સહકારને પ્રોત્સાહન આપવા માટે પણ વ્યવસ્થા થઈ.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande