
નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) પરમવીર ચક્રથી સન્માનિત સેકન્ડ લેફ્ટનન્ટ રામ રાઘોબા રાણેની પુણ્યતિથિ પર, શનિવારે દેશભરમાં તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવ્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી તથા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત અનેક નેતાઓએ તેમના અનન્ય સાહસ, વીરતા અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને નમન કરતાં ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના સંદેશમાં કહ્યું કે, પરમવીર ચક્ર વિજેતા સેકન્ડ લેફ્ટનન્ટ રામ રાઘોબા રાણેએ 1947-48ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અદમ્ય સાહસ અને અસાધારણ નેતૃત્વનું પ્રદર્શન કર્યું હતું. તેમણે દુશ્મનની ભીષણ ગોળીબાર અને અનેક અવરોધો છતાં સતત પોતાના સાથીઓ માટે માર્ગ સાફ કર્યો, જેના કારણે ભારતીય સેના આગળ વધવામાં સફળ રહી. બિરલાએ કહ્યું કે કઠિન પરિસ્થિતિઓમાં પણ રાણેનું કર્તવ્ય પ્રત્યેનું અડગ સમર્પણ અને વીરતા સૈન્ય અભિયાનની સફળતાનો આધાર બન્યું. તેમનું શૌર્ય ભારતીય સશસ્ત્ર દળોના ઇતિહાસનું સુવર્ણ અને પ્રેરણાદાયી અધ્યાય છે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ સેકન્ડ લેફ્ટનન્ટ રામ રાઘોબા રાણેને શ્રદ્ધાંજલિ અર્પતાં કહ્યું કે, રાષ્ટ્ર તેમના સર્વોચ્ચ બલિદાન, અદમ્ય સાહસ અને અતુલનીય દેશભક્તિનો સદાય ઋણી રહેશે. તેમણે કહ્યું કે રાણેનું જીવન દરેક ભારતીય માટે પ્રેરણાનો સ્ત્રોત છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના સંદેશમાં કહ્યું કે, વર્ષ 1947-48ના ભારત-પાક યુદ્ધમાં પોતાના અનન્ય શૌર્ય અને પરાક્રમથી શત્રુ સેનાને પરાસ્ત કરનાર પરમવીર ચક્રથી સન્માનિત સેકન્ડ લેફ્ટનન્ટ રામ રાઘોબા રાણેની ગૌરવગાથા આવનારી પેઢીઓને સદાય રાષ્ટ્રસેવા, સાહસ અને કર્તવ્યનિષ્ઠા માટે પ્રેરિત કરતી રહેશે. તેમણે કહ્યું કે આવા વીર સપૂતોના બલિદાન અને પરાક્રમના કારણે જ દેશ સુરક્ષિત અને ગૌરવવાન છે.
ઉલ્લેખનીય છે કે, સેકન્ડ લેફ્ટનન્ટ રામ રાઘોબા રાણે ભારતીય સેનાની એન્જિનિયર કોર (કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ)ના અધિકારી હતા. વર્ષ 1947-48ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમણે દુશ્મનની ગોળીબાર વચ્ચે બારૂદી સૂરંગો અને માર્ગ અવરોધો દૂર કરીને ભારતીય સેના ના ટેન્કો અને સૈનિકોના આગળ વધવાનો માર્ગ સુગમ કર્યો. તેમના અસાધારણ સાહસ અને કર્તવ્યપરાયણતા માટે તેમને દેશના સર્વોચ્ચ સૈનિક વીરતા સન્માન 'પરમવીર ચક્ર'થી સન્માનિત કરવામાં આવ્યા. આજે પણ તેમનું જીવન અને વીરતા ભારતીય સેના તથા દેશવાસીઓ માટે પ્રેરણાનો અમિટ સ્ત્રોત છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ