
અમદાવાદ, 12 જુલાઈ (હિ.સ.) : અમદાવાદને હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ‘મિશન ફાઇવ મિલિયન ટ્રી’ અંતર્ગત ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સાયન્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રૂ. 405 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
‘મિશન ફાઇવ મિલિયન ટ્રી’ અંતર્ગત શહેરમાં હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા હેરિટેજ પાર્ક તેમજ 101 ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગ્રીન મોબિલિટી અંતર્ગત બીઆરટીએસના કાફલામાં 80 નવી વાતાનુકૂલિત ઇલેક્ટ્રિક બસોનો ઉમેરો કરવામાં આવ્યો, જ્યારે એએમટીએસમાં પણ 75 નવી એસી બસોનો સમાવેશ કરવામાં આવ્યો.
આ ઉપરાંત રૂ. 60.68 કરોડના ખર્ચે નિર્મિત 188 આધુનિક સરકારી આવાસોનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્ય કાર્યક્રમ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાડજ, બોપલ અને વાડજ સહિતના વિવિધ વિસ્તારોમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો.
આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, “આજે હું અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તમામ નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે એક જ દિવસમાં નાગરિકોએ મળીને 1 કરોડ 25 લાખથી વધુ વૃક્ષો રોપવાનું ભગીરથ કાર્ય કર્યું છે, જ્યારે અમદાવાદ શહેરની ત્રણેય લોકસભા બેઠકોમાં અલગથી 50 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે.”
તેમણે જણાવ્યું કે થોડા સમય પહેલાં જ્યારે આ વિચાર બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે કોઈએ સ્પષ્ટ હા કે ના કહી નહોતી, પરંતુ આજે જનતાએ આ વિચારને સાકાર કરી બતાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ગ્રીન કવર વધારવા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાનનું આહ્વાન કર્યું છે, જેથી લોકો પોતાની માતા અને ધરતીમાતાના સન્માનમાં એક-એક વૃક્ષ વાવે.
અમિત શાહે જણાવ્યું કે ભારત સરકારના કેન્દ્રીય અર્ધસૈનિક દળોએ સાત વર્ષમાં 7 કરોડ વૃક્ષો વાવવાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તેમણે કહ્યું કે પર્યાવરણની સુરક્ષા આજના સમયમાં અત્યંત જરૂરી બની ગઈ છે. વાહનોના વધતા ઉપયોગ અને કાર્બન ઉત્સર્જનને કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે, તેથી શહેરોમાં હરિયાળી વધારવી સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
તેમણે જણાવ્યું કે ગાંધીનગર વિસ્તારમાં અગાઉ માત્ર 12 પાર્ક હતા, જ્યારે હવે 61 નવા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સમગ્ર અમદાવાદમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ 101 ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે. આ આયોજન બદલ તેમણે અમદાવાદ મહાનગરપાલિકા અને મેયર હિતેશ બારોટને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું કે નાગરિકોના ઘર સુધી વૃક્ષારોપણ માટે છોડ પહોંચાડવા વિશેષ વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અમિત શાહે કહ્યું, “મેં વર્ષ 2029ની ચૂંટણી સુધીમાં આ વિસ્તારમાં 20 ટકા હરિયાળી વધારવાનો વ્યક્તિગત સંકલ્પ લીધો છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણની સાથે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે. દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ધરાવતા વિસ્તારોમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. પ્રદૂષણ ઘટાડવાના હેતુથી નવી ઇલેક્ટ્રિક બસોને પણ સેવામાં જોડવામાં આવી છે, જેનાથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે.
અમિત શાહે જણાવ્યું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 1,25,93,513 વૃક્ષો વાવવાનું કાર્ય પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 28,492 કરોડના વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે.
અંતમાં તેમણે નાગરિકોને બે વિશેષ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ સોસાયટીનો એક પણ ખૂણો વૃક્ષ વગરનો ન રહે અને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે, જેથી આવનારી પેઢીઓ માટે પૃથ્વીને જીવવા યોગ્ય બનાવી શકાય. સાથે જ તેમણે દરેક ઘરમાં સોલાર રૂફટોપ લગાવવાનું આહ્વાન કરતાં કહ્યું, “ચાલો, આપણે સૌ સાથે મળીને આપણા વિસ્તારને ગ્રીન અને ક્લીન બનાવીએ.”
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે