
બેલગાવી, નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.)। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ત્રણ દિવસીય વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક, રવિવારે કર્ણાટકના બેલગાવીમાં સંપન્ન થઈ ગઈ. બેઠકમાં શાખા વિસ્તરણ, શતાબ્દી વર્ષના કાર્યક્રમો, જનગણના, જનસાંખ્યિક અસંતુલન, નશામુક્તિ, સામાજિક જાગૃતિ તથા સંગઠનાત્મક પ્રવૃત્તિઓ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વ્યાપક વિચારવિમર્શ કરવામાં આવ્યો.
બેઠકમાં સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે સહિત દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા 226 કાર્યકર્તાઓએ ભાગ લીધો. બેઠક દરમિયાન સંગઠનના તાલીમ કાર્યક્રમોની સમીક્ષા સાથે આગામી યોજનાઓની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી.
સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે પ્રેસ વિજ્ઞપ્તિ જારી કરીને જણાવ્યું કે, માર્ચ 2026 બાદ દેશભરમાં આયોજિત 83 સંઘ શિક્ષા વર્ગો અને 12 કાર્યકર્તા વિકાસ વર્ગોની સમીક્ષા કરવામાં આવી. આ તાલીમ વર્ગોમાં કુલ 18,842 સ્વયંસેવકોએ ભાગ લીધો. તાલીમ દરમિયાન શાખા સંચાલન, સંઘની કાર્યપદ્ધતિ, ગ્રામ વિકાસ, કુટુંબ પ્રબોધન, આપત્તિ વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર વિશેષ તાલીમ આપવામાં આવી.
તેમણે જણાવ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં મહત્તમ શાખા વિસ્તરણ માટે વિશેષ કાર્યયોજના તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંઘના શતાબ્દી વર્ષ અંતર્ગત અત્યાર સુધી આયોજિત કાર્યક્રમોની સમીક્ષા કરતાં બાકી રહેલા કાર્યક્રમોના સફળ આયોજનની વ્યૂહરચના પર પણ ચર્ચા થઈ. આ સાથે શતાબ્દી વર્ષ દરમિયાન સંપર્કમાં આવેલા લોકોને સામાજિક પ્રવૃત્તિઓ તથા 'પંચ પરિવર્તન' અભિયાન સાથે સક્રિય રીતે જોડવા પર ભાર મૂકવામાં આવ્યો. વર્ષ 2026-27 માટે સરસંઘચાલકના પ્રવાસ કાર્યક્રમની રૂપરેખા પર પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો.
બેઠકમાં વર્તમાન રાષ્ટ્રીય પરિદૃશ્યના સંદર્ભમાં જનગણના અને જનસાંખ્યિક અસંતુલન સાથે જોડાયેલી પડકારો પર પણ ચર્ચા કરવામાં આવી. સાથે જ દેશમાં વધતા માદક પદાર્થોના દુષ્પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરતાં નશામુક્ત સમાજના નિર્માણ માટે વ્યાપક જનજાગરણ અને સામાજિક સહભાગિતા વધારવાનું આહ્વાન કરવામાં આવ્યું. સંત શિરોમણિ રવિદાસ મહારાજની 650મી જયંતી વર્ષના અવસરે આયોજિત થનારા કાર્યક્રમોની રૂપરેખા પર પણ વિચાર કરવામાં આવ્યો.
બેઠકમાં અયોધ્યામાં સ્થિત શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનપેટીની રકમની ગણતરી દરમિયાન સામે આવેલી અનિયમિતતાની ઘટનાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી. પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, તીર્થક્ષેત્ર ન્યાસના અનુરોધ પર રચાયેલા વિશેષ તપાસ દળ (એસઆઈટી) અને પોલીસની તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી હોવાની વાત કહેવામાં આવી. સાથે જ આશા વ્યક્ત કરવામાં આવી કે તપાસ પૂર્ણ થયા બાદ દોષીઓ સામે યોગ્ય કાર્યવાહી થશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓની પુનરાવૃત્તિ રોકવા માટે ટ્રસ્ટ જરૂરી પગલાં લેશે, જેથી રામભક્તોની આસ્થા અખંડિત બની રહે.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ એમ.બી. / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ