
જીંદ, નવી દિલ્હી, 17 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, શુક્રવારે હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તેમણે કહ્યું કે જીંદ, સોનીપત અને હરિયાણા હવે ભારતીય રેલવેના ઇતિહાસમાં મુંબઈ અને થાણેની જેમ પ્રથમ ટ્રેનને કારણે યાદ રહેશે. તેમણે કહ્યું કે ભારતની આ હાઇડ્રોજન ટ્રેન વિશ્વની સૌથી શક્તિશાળી અને સૌથી લાંબી હાઇડ્રોજન સંચાલિત પેસેન્જર ટ્રેનોમાંની એક છે અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનનું સફળ ઉદાહરણ છે.
જીંદ ખાતે એકલવ્ય સ્ટેડિયમ ખાતે આશરે 14,700 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓના શિલાન્યાસ સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 19મી સદીની ઓળખ વરાળ એન્જિન હતી, 20મી સદીની ઓળખ ડીઝલ અને ઇલેક્ટ્રિક ટ્રેન હતી, જ્યારે 21મી સદીની ઓળખ હાઇડ્રોજન ટ્રેન હશે. તેમણે કહ્યું કે હાલમાં વિશ્વના માત્ર ત્રણ-ચાર દેશો પાસે હાઇડ્રોજન ટ્રેન ચલાવવાની ક્ષમતા છે અને ભારત હવે આ પસંદગીના જૂથમાં જોડાઈ ગયું છે.
તેમણે કહ્યું કે, જીંદથી આ 10-કોચવાળી ટ્રેન 3,200 હોર્સ પાવર પ્રોપલ્શન સિસ્ટમથી સજ્જ છે અને તે વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેનોમાંની એક છે. હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર આધારિત આ ટ્રેન હાઇડ્રોજનને વીજળીમાં રૂપાંતરિત કરીને ચાલે છે અને તેની કામગીરી દરમિયાન માત્ર પાણીની વરાળ બહાર કાઢે છે, જે કાર્બન છોડતી નથી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષમાં ભારતીય રેલવેમાં થયેલા પરિવર્તનનો સૌથી મોટો ફાયદો દેશની ઊર્જા સુરક્ષા છે. પશ્ચિમ એશિયામાં, ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુની, ઈરાન અને અખાતી પ્રદેશમાં ચાલી રહેલા સંઘર્ષ છતાં ભારતની રેલ સેવાઓને અસર થઈ નથી. તેમણે ધ્યાન દોર્યું હતું કે, 2014 પહેલાં રેલવેનો મોટો હિસ્સો ડીઝલ પર નિર્ભર હતો, પરંતુ છેલ્લા 12 વર્ષમાં દેશના લગભગ 99 ટકા રેલ નેટવર્કનું વિદ્યુતીકરણ થયું છે, જ્યારે હરિયાણામાં રેલ નેટવર્કનું 100 ટકા વિદ્યુતીકરણ થયું છે. એટલા માટે તેલની કટોકટી હોવા છતાં દેશની વિકાસ યાત્રા અટકતી ન હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, હાઇડ્રોજન ટ્રેન માત્ર પર્યાવરણને અનુકૂળ છે તેવું નથી, પરંતુ 'મેક ઇન ઇન્ડિયા' ની સફળતાનું પ્રતીક પણ છે. ભવિષ્યમાં હાઇડ્રોજન ટ્રેન સંબંધિત માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવશે અને નવા કારખાનાઓ સ્થાપવામાં આવશે, જેનાથી હરિયાણાના યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે.
તેમણે કહ્યું કે, જીંદ અને હરિયાણાએ વિકાસની નવી ગતિ પ્રાપ્ત કરી છે અને આજે રાજ્યના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધવામાં આવશે. તેમણે લોકોને સ્વચ્છતાને જીવનની રીત બનાવવા માટે પણ હાકલ કરી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આશરે 14,700 કરોડની વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમાં 12,470 કરોડથી વધુની રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ સામેલ છે. તેમણે દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેનો હરિયાણા વિભાગ, અંબાલા-કાલા અંબ ફોર-લેન હાઇવે અને જીંદ-ગોહાના ગ્રીનફિલ્ડ નેશનલ હાઇવે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો અને હાંસી-બરવાલા બ્રાઉનફિલ્ડ હાઇવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ કુરુક્ષેત્રમાં એલિવેટેડ રેલવે ટ્રેકનું ઉદ્ઘાટન કર્યું હતું, ભિવાનીમાં પંડિત નેકી રામ શર્મા સરકારી મેડિકલ કોલેજ, નારનૌલમાં મહર્ષિ ચ્યવન મેડિકલ કોલેજ અને રાવ તુલારામ હોસ્પિટલને સમર્પિત કરી હતી અને કુરુક્ષેત્રમાં શીખ સંગ્રહાલયનો શિલાન્યાસ કર્યો હતો.
ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની તેમની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રમતગમત ઉદ્યોગ, ખેલાડીઓની તાલીમ અને રમતગમતના માળખાગત ક્ષેત્રમાં આ દેશો સાથે સહયોગ વધારવા માટે સંમતિ સધાઈ છે. તેમણે કહ્યું કે, નવી રાષ્ટ્રીય રમત નીતિ અને 'ખેલો ઇન્ડિયા' અભિયાન દ્વારા દેશમાં રમતગમતની પ્રતિભાઓને વધુ સારી તકો પૂરી પાડવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર /સુશીલ કુમાર/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ