
સિલીગુડી, નવી દિલ્હી, 17 જુલાઈ (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, શુક્રવારથી ત્રણ દિવસીય પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. 17 થી 19 જુલાઈ સુધી ચાલનારા આ પ્રવાસમાં સરહદી સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અને વિવિધ વિકાસ પરિયોજનાઓની પ્રગતિ તેમની પ્રાથમિકતામાં રહેશે. આ દરમિયાન તેઓ ઉત્તર બંગાળના સરહદી વિસ્તારોની મુલાકાત લેવાની સાથે જ કોલકાતામાં અનેક મહત્વપૂર્ણ બેઠકો અને કાર્યક્રમોમાં ભાગ લેશે.
પ્રવાસના બીજા દિવસે 18 જુલાઈએ ગૃહમંત્રી ઉત્તર બંગાળના સિલીગુડી સ્થિત જુમાગાછ સીમા ચોકીની મુલાકાત લેશે. અહીં તેઓ ભારત-બાંગ્લાદેશ સરહદ પર તૈનાત સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોને મળીને તેમનો ઉત્સાહ વધારશે તથા સરહદી વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે. અધિકારીઓ સાથે સરહદી સુરક્ષા સંબંધિત વર્તમાન પરિસ્થિતિ, પડકારો અને દેખરેખ તંત્રની પણ સમીક્ષા કરવામાં આવશે.
આ પ્રસંગે સરહદી સુરક્ષા સંબંધિત અનેક માળખાકીય પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ પ્રસ્તાવિત છે. ગૃહમંત્રી સરહદી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા સંબંધિત કાર્યોની પ્રગતિનો પણ તાગ મેળવશે.
અમિત શાહ પોતાના પ્રવાસ દરમિયાન સરહદી સુરક્ષા પર એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકમાં સરહદી વ્યવસ્થાપન, ઘૂસણખોરીની રોકથામ, તસ્કરી પર નિયંત્રણ તથા આધુનિક તકનીકોના ઉપયોગ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. સીમા સુરક્ષા દળ અને અન્ય સંબંધિત એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ તેમાં સામેલ થશે.
ગૃહમંત્રી તાજેતરમાં લાગુ કરાયેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બીએસએ)ના અમલીકરણની પણ સમીક્ષા કરશે. બેઠકમાં આ કાયદાઓના અસરકારક પાલન, પોલીસ અને વહીવટી તૈયારીઓ તથા રાજ્યોમાં તેમના અમલીકરણની સ્થિતિ પર વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ ઉપરાંત જન્મ અને મૃત્યુ નોંધણી પ્રણાલીની પ્રગતિ અંગે પણ અધિકારીઓ સાથે અલગ સમીક્ષા બેઠક પ્રસ્તાવિત છે.
પ્રવાસના અંતિમ દિવસે 19 જુલાઈએ ગૃહમંત્રી કોલકાતામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ઉચ્ચસ્તરીય બેઠક કરશે. આ બેઠકમાં રાજ્યની સુરક્ષા વ્યવસ્થા, અપરાધ નિયંત્રણ અને આંતરિક સુરક્ષા સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે.
આ પછી અમિત શાહ કોલકાતા સ્થિત નેશનલ લાઇબ્રેરીમાં ‘મ્યુઝીયમ ઓઅફ વર્ડ્સ’નું ઉદ્ઘાટન કરશે. સાથે જ વિશ્વ બંગાળ કન્વેન્શન સેન્ટરમાં અમૂલ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાને રાજ્યમાં ડેરી ક્ષેત્રના વિકાસ, રોકાણ અને રોજગાર સર્જનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/સચિન કુમાર/સંતોષ મધુપ/ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ