
નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.). નિર્મોહી અખાડાએ અયોધ્યાના શ્રી રામ મંદિરના સંચાલનનું કામ સંભાળતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું પુનર્ગઠન કરવાની માંગ કરતા ઉચ્ચતમ ન્યાયાલયમાં અરજી દાખલ કરી છે. નિર્મોહી અખાડાની અરજીમાં ટ્રસ્ટ બોર્ડ દ્વારા સંપત્તિના હસ્તાંતરણ અને નાણાકીય વ્યવહારોની ફોરેન્સિક તપાસની માંગ કરવામાં આવી છે.
આ અરજી તાજેતરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના દાનની કથિત ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા પછી દાખલ કરવામાં આવી છે. નિર્મોહી અખાડાની અરજીમાં માંગ કરવામાં આવી છે કે, મંદિરમાં સ્થાપિત નવી મૂર્તિને બદલે અગાઉથી હાજર 1950 અને 1982ની મૂર્તિઓને ફરીથી સ્થાપિત કરવામાં આવે. આ અરજી તે અરજીના સંદર્ભમાં દાખલ કરવામાં આવી છે, જેના પર પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો હતો.
નિર્મોહી અખાડાએ અરજીમાં જણાવ્યું છે કે, રામ મંદિર પર ઉચ્ચતમ ન્યાયાલયના 2019ના નિર્ણયનું અક્ષરશઃ પાલન કરવામાં આવ્યું નથી. એક ખાનગી ટ્રસ્ટનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક નામાંકિત સભ્યો અને કેટલાક પદેન સભ્યોનો સમાવેશ થતો હતો. આમાંથી જ કેટલાક લોકો દ્વારા ભગવાનની સંપત્તિમાં હેરાફેરી કરવામાં આવી હોઈ શકે છે.
ઉચ્ચતમ ન્યાયાલયે શ્રી રામ જન્મભૂમિ મંદિરના ચઢાવાની કથિત ચોરીની કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) ના નેતૃત્વ હેઠળની એસઆઈટી દ્વારા તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા 13 જુલાઈએ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ જારી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે એસઆઈટીના ગઠન સંબંધિત રેકોર્ડ તલબ કર્યા હતા. આ કેસની 20 જુલાઈએ સુનાવણી થવાની છે.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ