
જમ્મુ, નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) જમ્મુ સંભાગના પૂંછ અને રાજૌરીમાં રવિવારે અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે, આઠ લોકોના મોત થયા છે અને લગભગ 12 વ્યક્તિઓ લાપતા છે. સતત બીજા દિવસે તેમની શોધખોળ ચાલી રહી છે. ભારે વરસાદ અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને આજે બીજા દિવસે પણ શ્રી અમરનાથ યાત્રા અને મા વૈષ્ણોદેવી યાત્રાને રોકી દેવામાં આવી છે. પૂરને કારણે ઘરો, જાહેર માળખાકીય સુવિધાઓ, પશુધન અને કૃષિ જમીનને ભારે નુકસાન થયું છે. પૂંછ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. પડોશી જિલ્લા રાજૌરીમાં પણ ઘણું નુકસાન થયું છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે, પૂરને કારણે જમ્મુ સંભાગમાં 145 રહેણાંક મકાનોને નુકસાન થયું છે. તેમાંથી 93 મકાનો પૂંછમાં, 42 રાજૌરીમાં, આઠ રિયાસીમાં અને એક-એક મકાન કિશ્તવાડ અને રામબનમાં ક્ષતિગ્રસ્ત થયા છે. પૂંછમાં 17 શાળાઓ, 24 પરંપરાગત પાણીચક્કીઓ અને ત્રણ દુકાનોને પણ નુકસાન થયું છે, જ્યારે ઘણા વિસ્તારોમાં BSNL અને Airtel ની મોબાઇલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. રાજૌરીમાં પણ ભારે તબાહી થઈ હતી જ્યાં બેલા બસ સ્ટેન્ડ અને ચિલ્ડ્રન્સ પાર્કનો લગભગ 90 ટકા ભાગ ધોવાઈ ગયો હતો. એક શાળા અને 56 વાહનોને પણ નુકસાન થયું છે, સાથે જ લગભગ 300 ઘરોમાં પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે.
તે જ સમયે, કિશ્તવાડની છત્રુ તહસીલમાં બટવાન નાળામાં અચાનક આવેલા પૂરને કારણે એક જામા મસ્જિદ, એક મદ્રેસા ભવન અને એક દુકાનને આંશિક રીતે નુકસાન થયું છે. કુલ 127 કનાલ કૃષિ જમીન પ્રભાવિત થઈ છે. જેમાં પૂંછમાં 92 કનાલ અને રાજૌરીમાં 35 કનાલ જમીનનો સમાવેશ થાય છે.
એસડીઆરએફ, પોલીસ, નાગરિક પ્રશાસન અને અન્ય એજન્સીઓની બચાવ ટીમો લાપતા લોકોની શોધખોળ કરી રહી છે અને સાથે જ નુકસાનનું આકલન કરીને આવશ્યક સેવાઓને પુનઃસ્થાપિત કરવાનું કામ પણ કરી રહી છે. ચેનાની-નાશરી સુરંગના ઉત્તરીય પ્રવેશદ્વાર પાસે ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગની એક સુરંગ અવરોધિત થઈ છે. ભારે વરસાદને કારણે ચોબુ નાળામાં અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનથી ઉધમપુર-પંચેરી અને કૈંથગલી-મૌંગરી રસ્તાઓ અવરોધિત થઈ ગયા.
ઉપરાજ્યપાલ પૂર પ્રભાવિત જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે અમરનાથ યાત્રા અને મા વૈષ્ણો દેવી યાત્રાને આજે બીજા દિવસે પણ સ્થગિત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પ્રશાસનને સંપૂર્ણપણે એલર્ટ રહેવા અને બચાવ, રાહત અને પુનર્વસનના કાર્યો ઝડપથી કરવાના નિર્દેશ આપ્યા છે. મંત્રીઓ આજથી પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત શરૂ કરી શકે છે.
હવામાન વિભાગે 23 જુલાઈ સુધી રિયાસી, ઉધમપુર, રામબન, જમ્મુ, કઠુઆ અને સાંબા સહિતના ઘણા જિલ્લાઓ તેમજ ડોડા, કિશ્તવાડ, રાજૌરી અને પૂંછના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને અચાનક પૂર અને ભૂસ્ખલનની આગાહી જારી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ