
નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારથી શરૂ થઈ રહેલા 18મી લોકસભાના આઠમા (ચોમાસુ) સત્રના સફળ સંચાલન માટે તમામ સાંસદોને સકારાત્મક સહયોગ અને રચનાત્મક સહભાગિતાની અપીલ કરી છે. તેમણે કહ્યું, “સંસદ લોકશાહીનું સર્વોચ્ચ મંદિર છે અને આ સત્ર જનહિત તથા રાષ્ટ્રહિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર સાર્થક ચર્ચા અને પ્રભાવી વિધાયક કાર્યવાહીનો મહત્વપૂર્ણ અવસર છે.”
બિરલાએ આશા વ્યક્ત કરી કે, તમામ સભ્યો બંધારણની ભાવના, સંસદીય પરંપરાઓ અને મર્યાદાઓનું સન્માન કરતા ગૃહની કાર્યવાહીમાં સક્રિય ભાગીદારી નિભાવશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે સંસદ પરિસરમાં લોકસભાની કાર્ય મંત્રણા સમિતિની બેઠક યોજાઈ હતી. આજે સવારે અધ્યક્ષ બિરલાએ, તેની એક તસવીર શેર કરતા એક એક્સ પોસ્ટમાં આ અપીલ કરી છે.
લોકસભા અધ્યક્ષે ચોમાસુ સત્રના આરંભે જારી કરેલા સંદેશમાં કહ્યું કે, દિલ્હીમાં થયેલા વરસાદે વાતાવરણને નવી ઊર્જા અને તાજગીથી ભરી દીધું છે. સંસદ દેશની જન-આકાંક્ષાઓ, આશાઓ અને વિશ્વાસની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે તથા તમામ જનપ્રતિનિધિઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
અધ્યક્ષે કહ્યું કે, મહત્તમ વિધાયક અને અન્ય સંસદીય કાર્યોનું સંપાદન, તમામ સભ્યોની સામૂહિક જવાબદારી છે. આનાથી જનવિશ્વાસ મજબૂત થશે અને લોકતાંત્રિક સંસ્થાઓની ગરિમા પણ વધશે. તેમણે તમામ સાંસદોને આહ્વાન કર્યું કે, તેઓ આ સત્રને સાર્થક વિમર્શ, જનહિતકારી નિર્ણયો અને સંસદીય ગરિમાને અનુરૂપ સંચાલિત કરવા માટે મળીને પ્રયાસ કરે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ