
નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ચોમાસુ સત્ર પહેલાં તમામ સાંસદોને ગૃહની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, જ્યારે તર્ક અને તથ્યો મજબૂત હોય, ત્યારે શાંત ચિત્તથી પણ પોતાનો અવાજ બુલંદ કરી શકાય છે. તેમણે કહ્યું કે, સંસદની જવાબદારી છે કે, ચર્ચા સમૃદ્ધ બને, દરેક અવાજને સ્થાન મળે અને દરેક વિચારને સન્માન મળે. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. દરેક સત્ર પહેલાં વડાપ્રધાન, પરંપરાગત રીતે સંસદ પરિસરમાં મીડિયાને સંબોધિત કરીને સરકારની પ્રાથમિકતાઓ અને સત્ર પ્રત્યેની પોતાની અપેક્ષાઓ શેર કરે છે.
તેમણે ચોમાસુ સત્રની સરખામણી વર્ષા ઋતુના ચોમાસા સાથે કરી અને કહ્યું કે, બંને સક્રિય થવાથી ઉત્પાદકતામાં વૃદ્ધિ થાય છે. આનાથી એક તરફ દેશનું અને બીજી તરફ જીવમાત્રનું કલ્યાણ થાય છે. તેમણે બંનેની સક્રિયતાની કામના કરી. વડાપ્રધાને કહ્યું કે, દેશે હવે વિકાસની નવી ગતિ પ્રાપ્ત કરી લીધી છે અને સંસદ પોતાની સકારાત્મક વિચારસરણી સાથે ચોમાસુ સત્રમાં તેમાં વધુ ઊર્જા ભરી શકે છે. તેમણે કહ્યું કે, સંસદનું ચાલવું, સાર્થક ચર્ચા થવી અને દેશને આગળ લઈ જવાનો પ્રયાસ સમયની માંગ છે. રાષ્ટ્રભક્તિથી ભરપૂર વિચારોને ગૃહમાં સ્થાન મળતું રહે તે આપણા સૌની જવાબદારી છે.
વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા એક મહિનામાં દેશે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે જેણે દેશવાસીઓને ગૌરવ અપાવ્યું છે. આ ઉપલબ્ધિઓ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને અવકાશના ક્ષેત્રમાં છે. આમાં રાજસ્થાનમાં તેલ રિફાઇનરીનું ઉદ્ઘાટન, ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોન્ચિંગ અને ગ્રીન હાઇડ્રોજન ટ્રેનનો સમાવેશ થાય છે. વડાપ્રધાને એક યુવા સ્ટાર્ટઅપ સ્કાયરૂટ દ્વારા ખાનગી રોકેટ અવકાશમાં લોન્ચ કરવાની ઉપલબ્ધિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સ્ટાર્ટઅપમાં કામ કરતા લોકોની સરેરાશ ઉંમર 28 વર્ષ છે. આ દર્શાવે છે કે, ભારતના યુવાનોની ક્ષમતા અને આકાંક્ષા અવકાશ જેટલી અસીમ છે.
તેમણે કહ્યું, “આ ઉપલબ્ધિઓ ભારતને આત્મવિશ્વાસથી ભરી દે છે અને વિશ્વમાં ભારતની પ્રોફાઇલ સર્વમાન્ય બનાવે છે. રિફોર્મ એક્સપ્રેસને કારણે જ યુવાનો આજે આટલું મોટું કામ કરી રહ્યા છે.”
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ