ગુજરાતમાં ભારે વરસાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, SEOCથી પરિસ્થિતિની સમીક્ષા
ગાંધીનગર, 23 જુલાઈ (હિ.સ.)-દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને પગલે રાજ્ય સરકાર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પ
ગુજરાતમાં ભારે વરસાદ


ગાંધીનગર, 23 જુલાઈ (હિ.સ.)-દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને પગલે રાજ્ય સરકાર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચ્યા છે, જ્યાંથી તેઓ સુરત, વલસાડ, નવસારી સહિત વરસાદથી પ્રભાવિત જિલ્લાઓની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટરો સાથે સીધી ચર્ચા કરીને રાહત અને બચાવ કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરશે.

રાજ્યમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ તંત્રને સતર્ક રહેવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા સૂચના આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીને વધુ વેગ આપવા તેમજ પૂરતી રાહત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી તથા સંબંધિત મંત્રીને અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે જવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત, મહેસૂલ વિભાગના અધિકારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશનર આલોક પાંડે, કમિશનર રેમ્યા મોહન તેમજ રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓના પ્રભારી સચિવોને તાત્કાલિક મેદાનમાં ઉતરી રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવા આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા તંત્રને સતત સતર્ક રહેવા, હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી પૂર્વ તૈયારીઓ કરવા તેમજ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. સતત વરસાદને કારણે સર્જાતી સ્થિતિ પર રાજ્ય સરકાર સતત નજર રાખી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande