
નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.) સોશિયલ મીડિયા અભિયાન કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) એ શુક્રવારે દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લીધો.
અભિયાન પ્રમુખ અભિજીત દિપકેએ દિલ્હીના જંતર-મંતર પર શુક્રવારે આયોજિત પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું, દેશના યુવાનોની ખૂબ જ સરળ અને સ્પષ્ટ એક જ માંગ છે. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ. જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી શિક્ષણ મંત્રી પદ છોડી દેતા નથી. જો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કે સરકાર આ મુદ્દાને ઉકેલવા માંગે છે, તો માત્ર એક જ ઉકેલ છે. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ પડશે.
તેમણે એમ પણ કહ્યું કે, અમને ખૂબ જ ખુશી અને રાહત છે કે, પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી છે. તેઓ 26 દિવસથી ઉપવાસ પર હતા અને તેમણે વિદ્યાર્થીઓના ભલા માટે હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. તેઓ નહોતા ઈચ્છતા કે કોઈપણ વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ કેસ દાખલ થાય અને આ જ તેમની શરત હતી. અમે ખરેખર તેમનો આભાર માનવા માંગીએ છીએ. પોતાનો જીવ જોખમમાં મૂકીને તેમણે આખા દેશના લોકોને જગાડ્યા. સોનમે આ દેશ અને તેની આવનારી પેઢીઓ માટે જે કર્યું છે, તેને ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. આખા દેશમાં જાગૃતિ ફેલાવવા માટે આ પગલું ભરવા બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. આનાથી ખૂબ મોટો બદલાવ આવ્યો છે અને તેમના પ્રયાસોને કારણે આખા ભારતમાં આટલું મોટું આંદોલન ઊભું થયું છે.
ઉલ્લેખનીય છે કે, આજે સીજેપીએ બધાને દેશના દરેક જિલ્લામાં એક દિવસના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનું આહ્વાન કર્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક જિલ્લો, એક દિવસ, એક માંગ ના સંદેશ હેઠળ આખા દેશમાં એકતા પ્રદર્શિત કરવાનો છે.
વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કરી રહેલી સીજેપીના 'સંસદ ચલો' કૂચની ઘોષણા પછી 20 જુલાઈના રોજ હજારોની સંખ્યામાં એકત્ર થયેલા વિદ્યાર્થીઓએ, પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો. આમાં તેઓ શિક્ષણ પ્રણાલીમાં અનિયમિતતાઓ અને પેપર લીક મામલાને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ