રાજ્યસભામાં રાષ્ટ્રગીતને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપતું વિધેયક રજૂ, સંસદના બંને ગૃહો સોમવાર સુધી સ્થગિત
નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે, શુક્રવારે રાજ્યસભામાં રાષ્ટ્રગીત ''વંદેમાતરમ્''ને રાષ્ટ્રગાન સમાન દરજ્જો અપાવતું વિધેયક રજૂ કર્યું. નિત્યાનંદ રાયે ગૃહમાં આરોપ લગાવ્યો કે, વિપક્ષ વિધેયકને લઈને લોકોને ગેરમાર્
સંસદ ભવન


નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે, શુક્રવારે રાજ્યસભામાં રાષ્ટ્રગીત 'વંદેમાતરમ્'ને રાષ્ટ્રગાન સમાન દરજ્જો અપાવતું વિધેયક રજૂ કર્યું. નિત્યાનંદ રાયે ગૃહમાં આરોપ લગાવ્યો કે, વિપક્ષ વિધેયકને લઈને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. તેમણે કહ્યું કે, 24 જાન્યુઆરી 1950ના રોજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે, રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ ને પણ સન્માન પ્રાપ્ત થશે. રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રીય ગીત બંનેનું સમાન રીતે સન્માન થવું જોઈએ.

લોકસભા અને રાજ્યસભામાં શુક્રવારે પણ વિપક્ષના હોબાળાને કારણે કામકાજ પ્રભાવિત રહ્યું. લોકસભા અને રાજ્યસભામાં ગૃહની કાર્યવાહીની શરૂઆતમાં કારગિલ દિવસ (26 જુલાઈ) નિમિત્તે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પછી લોકસભાની કાર્યવાહી પહેલા 12 વાગ્યે અને બાદમાં સોમવાર સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી. બીજી તરફ રાજ્યસભામાં પહેલા કાર્યવાહી 12 વાગ્યે, પછી 02 વાગ્યે અને પછી સોમવાર સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી.

રાજ્યસભામાં બપોરે 2 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં નિત્યાનંદ રાયે ગૃહમાં રાષ્ટ્ર ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ, 1971માં સુધારો કરતું વિધેયક રજૂ કર્યું. વિધેયક રજૂ કરવાનો સીપીઆઈ નેતા સંતોષ કુમાર પી અને સીપીઆઈ (એમ) નેતા જ્હોન બ્રિટાસે વિરોધ કર્યો.

બ્રિટાસે કહ્યું કે, સંસદ સામાન્ય કાયદો બનાવીને બંધારણની મૂળ વ્યવસ્થાને બદલી શકતી નથી. બંધારણ સભાએ લગભગ ત્રણ વર્ષના ઊંડાણપૂર્વકના વિચાર-વિમર્શ પછી જાણી જોઈને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને સમાન બંધારણીય દરજ્જો આપ્યો ન હતો. જો બંધારણ નિર્માતાઓની આવી મંશા હોત તો તેઓ તેને સ્પષ્ટપણે વ્યક્ત કરત. તેમણે કહ્યું કે કાયદાના માધ્યમથી દેશભક્તિ અને રાષ્ટ્રવાદને ઘડી શકાતો નથી. આ વિધેયકનો ઉદ્દેશ્ય સમાજનું ધ્રુવીકરણ કરવાનો હોય તેવું લાગે છે.

સંતોષ કુમારે કહ્યું કે, ભારતીયોને વિભાજિત કરવા જોઈએ નહીં. રવીન્દ્રનાથ ઠાકુર સહિત ભારતના સ્વતંત્રતા આંદોલનના નેતાઓએ આ સમજ્યું હતું. આ જ કારણ છે કે, રાષ્ટ્રગાનના ફક્ત બે અંતરાઓને જ અપનાવવામાં આવ્યા. તેઓ આ વિધેયકનો વિરોધ કરે છે કે, તેના માધ્યમથી રવીન્દ્રનાથ ઠાકુર અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય વચ્ચે કૃત્રિમ વિભાજન પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ દરમિયાન લોકસભામાં સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ ફરી એકવાર વિપક્ષને વિદ્યાર્થીઓના મુદ્દે ચર્ચા કરવા આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે વડાપ્રધાને દેશને આશ્વાસન આપ્યું છે અને સામાજિક કાર્યકર્તા (સોનમ વાંગચુક)એ પણ ભૂખ હડતાળ સમાપ્ત કરીને ચર્ચાની માંગ કરી છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વિનંતી કરી કે તેઓ પોતાના કોંગ્રેસ પાર્ટીના સાથીઓને આ વિષયમાં સમજાવે.

આ પહેલા સવારે 26 જુલાઈના રોજ રવિવાર હોવાને કારણે કારગિલ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. લોકસભા અધ્યક્ષે કહ્યું કે, આજે કારગિલ વિજય દિવસની 27મી વર્ષગાંઠ છે. આ દિવસ આપણા ભારતીય સશસ્ત્ર દળોના અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનનું પ્રતીક છે. આ સભા ભારતીય સશસ્ત્ર દળોના તે વીર જવાનોને શ્રદ્ધાપૂર્વક નમન કરે છે જેમણે અત્યંત દુર્ગમ પર્વતીય વિસ્તારો, વિષમ પરિસ્થિતિઓ અને પ્રતિકૂળ હવામાનની પરવા કર્યા વિના અદ્વિતીય વીરતા અને અટૂટ સંકલ્પનો પરિચય આપ્યો તથા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વની રક્ષા કરી. ત્યાં જ, રાજ્યસભામાં પણ કારગિલ શહીદોને નમન કરવામાં આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande