
ગૌહાટી, નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ.). આસામમાં આવેલા પૂરનું પાણી હવે ધીમે ધીમે ઓછું થવા લાગ્યું છે. તેમ છતાં, ઉપલા આસામમાં હજુ પણ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા 25 જુલાઈએ જાહેર કરાયેલા આંકડા અનુસાર, રાજ્યમાં વધુ ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 66 થઈ ગઈ છે. આસામમાં ભયજનક સપાટીથી ઉપર વહેતી નદીઓમાં દિખો (શિવસાગર) અને ધનસિરી (નુમલીગઢ) નો સમાવેશ થાય છે.
આસામ કેબિનેટની બેઠકમાં શનિવારે રાત્રે પૂરનો સામનો કરવા માટે રાહત કાર્યમાં તેજી લાવવા અને નુકસાનનું આકલન કરવાના કાર્યને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. મુખ્યમંત્રી ડો. હિમંત બિસવા સરમાના નિર્દેશ પર યુદ્ધના ધોરણે તમામ પ્રકારના ઉપાયો કરવામાં આવી રહ્યા છે. સાથે જ, રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો પ્રભાવિત વિસ્તારોમાં જઈને રાહત કાર્યોનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે.
પૂરને કારણે વર્તમાન સમયમાં કુલ 10 જિલ્લા પ્રભાવિત થયા છે. તેમાં ગોલાઘાટ, ચરાઈદેવ, કામરૂપ, હોજાઈ, ડિબ્રુગઢ, શિવસાગર, જોરહાટ, શોણિતપુર, કામરૂપ (મેટ્રો) અને નગાંવ જિલ્લાનો સમાવેશ થાય છે. પૂરને કારણે 10 જિલ્લાના 28 મહેસૂલી મંડળોના કુલ 810 ગામો પ્રભાવિત થયા છે. રાજ્યની કુલ 6,54,838 વસ્તી અને 34,970.8 હેક્ટર કૃષિ ભૂમિ પાણીમાં ડૂબેલી છે. રાજ્ય સરકારે પૂરથી પ્રભાવિત લોકો માટે કુલ 90 રાહત શિબિરો અને 184 રાહત વિતરણ કેન્દ્રો સહિત કુલ 274 શિબિરો સ્થાપિત કર્યા છે. રાહત શિબિરોમાં 18,902 લોકોએ આશ્રય લીધો છે. જ્યારે રાહત વિતરણ કેન્દ્રો પર 1,23,114 બિન-શિબિર નિવાસીઓ રાહત મેળવી રહ્યા છે.
પૂરના પાણીમાંથી 25 જુલાઈએ ચાર મૃતદેહ મળી આવ્યા, જેમાં ચરાઈદેવમાં એક અને શિવસાગરમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા. પૂર પ્રભાવિત પ્રાણીઓની કુલ સંખ્યા 4,54,071 નોંધાઈ છે, જેમાં મોટા 93,751, નાના 57,897 અને મરઘા-બતકાં 3,02,423 નોંધાયા છે. આ દરમિયાન પૂરના પાણીમાં કુલ 3,021 પ્રાણીઓ તણાઈ ગયા. તેમાં ચરાઈદેવ જિલ્લામાં 3,016 અને જોરહાટ જિલ્લાના પાંચ પશુઓનો સમાવેશ થાય છે.
પૂર રાહત અને બચાવ અભિયાનમાં એસડીઆરએફ, ડીડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ, અગ્નિશમન અને કટોકટી સેવાઓ (એફ એન્ડ ઈએસ), સર્કલ કાર્યાલય/સ્થાનિક વહીવટ, નાગરિક સુરક્ષા/પ્રશિક્ષિત સ્વયંસેવકો અને અગ્નિશમન વિભાગ જોડાયેલા છે. આ દરમિયાન, પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાજ્ય સરકારે કુલ 210 મેડિકલ ટીમોને તૈનાત કરી. આ સમયગાળા દરમિયાન 55 બોટ પણ રાહત કાર્યમાં વ્યસ્ત રહી. પૂરના પાણીમાં ફસાયેલા 13 લોકોને બોટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. જ્યારે બોટ દ્વારા 22 પશુઓનો પણ બચાવ કરવામાં આવ્યો.
પૂર પ્રભાવિતો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ચોખા (ક્વિન્ટલમાં): 1668.682, દાળ (ક્વિન્ટલમાં): 286.985, મીઠું (ક્વિન્ટલમાં): 83,7545, મસ્ટર્ડ ઓઇલ/સરસવનું તેલ (લિટર): 7,995.01 સાથે જ પશુઓનો ચારો - ઘઉંનો ભૂસો (ક્વિન્ટલમાં): 13,254.831 અને પશુઓનો ચારો - ચોખાનો ભૂસો (ક્વિન્ટલમાં): 5.84 રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું.
પૂરને કારણે મોટા પાયે રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે. આ અંગે સરકાર સતત સમીક્ષા બેઠકો કરી રહી છે. પૂર પ્રભાવિત જોરહાટ જિલ્લામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી પવિત્ર માર્ગેરિટાએ સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા સ્તરના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / શ્રીપ્રકાશ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ