
નવી દિલ્હી, 09 જુલાઈ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) બાદ હવે એશિયન વિકાસ બેંક (એડીબી)એ, પશ્ચિમ એશિયા સંકટના કારણે ઊર્જા કિંમતોમાં સંભવિત વધારાને ધ્યાનમાં રાખીને ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ દરનો અંદાજ 6.90 ટકાથી ઘટાડીને 6.60 ટકા કર્યો છે.
એડીબીએ ગુરુવારે જાહેર કરેલા એશિયન ડેવલપમેન્ટ આઉટલુક (એડીઑ ) જુલાઈ 2026 અહેવાલમાં જણાવ્યું કે, ભારતના આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે ઘટાડીને 6.6 ટકા કરવામાં આવ્યો છે. સાથે જ નાણાકીય વર્ષ 2027-28 માટે તેને 7.3 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યો છે. જોકે, આર્થિક વૃદ્ધિ દરમાં આ ઘટાડા છતાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વધતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે યથાવત્ છે.
એશિયન વિકાસ બેંકના અહેવાલમાં કહેવામાં આવ્યું છે, ‘‘ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ એપ્રિલમાં મૂકાયેલા 6.9 ટકાથી ઘટાડવામાં આવ્યો છે, કારણ કે ઊર્જાની ઊંચી કિંમતો વાસ્તવિક આવક પર દબાણ કરી રહી છે.’’ અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2027-28 માટે આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ એપ્રિલના સ્તરે જ રાખવામાં આવ્યો છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું કે, વધતા ભૂરાજકીય તણાવ અને હવામાન સંબંધિત કારણોસર કૃષિ ક્ષેત્રમાં સંભવિત નબળાઈ જેવા જોખમો યથાવત્ છે. એશિયન વિકાસ બેંકના અહેવાલમાં મહામૂલ્યવૃદ્ધિ (મુદ્રાસ્ફીતી)ના અંદાજને એપ્રિલના 4.5 ટકાથી વધારીને 5.2 ટકા કરવામાં આવ્યો છે. જોકે, નાણાકીય વર્ષ 2027-28 માટે મહામૂલ્યવૃદ્ધિનો અંદાજ ચાર ટકા પર યથાવત્ રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)એ ભારતીય અર્થવ્યવસ્થા 2026-27માં 6.4 ટકાની દરે વધશે એવો અંદાજ વ્યક્ત કર્યો છે, જે એપ્રિલમાં મુકાયેલા 6.5 ટકાના અંદાજ કરતાં થોડો ઓછો છે. બીજી તરફ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ )એ, પણ 2026-27 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ, ગયા મહિને 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યો હતો, જ્યારે મહામૂલ્યવૃદ્ધિનો અંદાજ 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ