
નવી દિલ્હી, 09 જુલાઈ (હિ.સ.) મલયાલમ સિનેમાની પ્રતિષ્ઠિત ફિલ્મ ‘કીરીડમ’ શુક્રવારથી ભારત અને વિદેશોના સિનેમાઘરોમાં 4K ગુણવત્તા અને ડોલ્બી એટમોસ ધ્વનિ સાથે ફરીથી રિલીઝ થશે. ફિલ્મનું પુનઃસ્થાપન નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન–નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ (એનએફડીસી-એનએફએઆઈ) દ્વારા કરવામાં આવ્યું છે.
વર્ષ 1989માં રિલીઝ થયેલી આ ફિલ્મનું મૂળ કેમેરા નેગેટિવ સમયની સાથે નુકસાનગ્રસ્ત થઈ ગયું હતું. જોકે, નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ દ્વારા ત્રણ દાયકાથી વધુ સમય સુધી સુરક્ષિત રાખવામાં આવેલી 35 મીમી રિલીઝ પ્રિન્ટના આધારે ફિલ્મનું 4કે રિસ્ટોરેશન શક્ય બન્યું.
ફિલ્મના પુનઃસ્થાપનમાં હાઇ-રિઝોલ્યુશન સ્કેનિંગ, ડિજિટલ ઇમેજ રિસ્ટોરેશન, કલર ગ્રેડિંગ અને ડોલ્બી એટમોસ સાઉન્ડ રીમાસ્ટરિંગ કરવામાં આવ્યું. આ કાર્ય નિર્દેશક સિબી મલયિલ અને સિનેમેટોગ્રાફર એસ. કુમારની દેખરેખ હેઠળ પૂર્ણ થયું.
સિબી મલયિલના નિર્દેશનમાં અને એ.કે. લોહિતદાસની વાર્તા પર બનેલી ‘કીરીડમ’માં મોહનલાલ અને થિલકન મુખ્ય ભૂમિકાઓમાં છે. તેને મલયાલમ સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં સામેલ કરવામાં આવે છે.
એનએફડીસીના વ્યવસ્થાપક નિર્દેશક પ્રકાશ માગડૂમે જણાવ્યું કે, વર્ષો સુધી સુરક્ષિત રાખવામાં આવેલી રિલીઝ પ્રિન્ટના કારણે જ આ ક્લાસિક ફિલ્મને નવા સ્વરૂપમાં દર્શકો સુધી પહોંચાડી શકાયી છે. બીજી તરફ, નિર્દેશક સિબી મલયિલે રાષ્ટ્રીય ફિલ્મ વારસા મિશન હેઠળ ફિલ્મના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે એનએફડીસી–એનએફએઆઈનો આભાર વ્યક્ત કર્યો.
રિસ્ટોર કરેલી ફિલ્મનું વિશ્વ પ્રીમિયર 55મા આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવમાં થયું હતું, જ્યાં તેને દર્શકો અને ફિલ્મકારો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ