
શ્રીનગર, નવી દિલ્હી, 09 જુલાઈ (હિ.સ.) લશ્કર-એ-તૈયબાના એક કમાન્ડરના મોતના એક દિવસ બાદ તેના સાથીને પકડવા માટે સુરક્ષા દળોએ ગુરુવારે છઠ્ઠા દિવસે પણ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદ વિરોધી અભિયાન ચાલુ રાખ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે, સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમોએ મીમંદર-ચાનાપોરા શોપિયાંમાં શોધ અભિયાન તેજ કરી દીધું છે. ગુપ્તચર માહિતીના આધારે બે લશ્કર આતંકવાદીઓની હાજરીનો પત્તો લાગ્યા બાદ 4 જુલાઈએ આ જ વિસ્તારમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ચાલી રહેલા અભિયાન દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે પહેલી વાર શનિવાર સાંજે અને બીજી વાર બુધવાર સવારે ગોળીબાર થયો.
એક અધિકારીએ જણાવ્યું કે, બીજા આતંકીની શોધ ચાલુ છે, જેના વિસ્તારમાં છુપાયેલા હોવાની આશંકા છે. બુધવાર સવારે સુરક્ષા દળોને ત્યારે સફળતા મળી, જ્યારે તેમણે લશ્કર-એ-તૈયબાના સ્થાનિક કમાન્ડર જાકિર અહમદ ગણઈને ઠાર માર્યો. કુલગામ જિલ્લાના મોતલહામા ગામના રહેવાસી જાકિર સપ્ટેમ્બર 2023માં આતંકવાદી સંગઠનોમાં જોડાયો હતો. જાકિરના મોત સાથે કાશ્મીરમાં હવે માત્ર એક જ સક્રિય સ્થાનિક આતંકી બચ્યો છે, જ્યારે સુરક્ષા અધિકારીઓનો અંદાજ છે કે ખીણમાં લગભગ 20-30 પાકિસ્તાની આતંકીઓ હજુ પણ સક્રિય છે.
અધિકારીઓએ કહ્યું કે, શોપિયાંમાં ચાલી રહેલું અભિયાન ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી સમગ્ર વિસ્તાર સંપૂર્ણપણે સુરક્ષિત ન થઈ જાય અને બીજા આતંકીને અથવા તો પકડી લેવામાં ન આવે અથવા ઠાર મારવામાં ન આવે.
હિંદુસ્થાન સમાચાર / રાધા પંડિતા / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ