
પોરબંદર, 01 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે, પરંતુ પોરબંદર જિલ્લામાં હજુ પણ જોઈએ તેવી મેઘમહેર જોવા મળી નથી. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હોવા છતાં જિલ્લામાં શનિવારે બપોર સુધી માત્ર 6 મિ.મી. એટલે કે અંદાજે અડધો ઇંચ જેટલો જ સરેરાશ વરસાદ નોંધાયો છે.
સમગ્ર જિલ્લામાં દિવસભર વાદળછાયું અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને નાગરિકો હવે મેઘરાજા મનમુકીને વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જિલ્લા કંટ્રોલ રૂમના આંકડા મુજબ સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીરાણાવાવ તાલુકામાં સૌથી વધુ 10 મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદર અને કુતિયાણા તાલુકામાં 4- 4 મિ.મી. વરસાદ પડ્યો છે. જિલ્લાની સરેરાશ વરસાદ 6 મિ.મી. રહી છે.સવારે 6થી 8 વાગ્યા દરમિયાન પોરબંદરમાં 3 મિ.મી., રાણાવાવમાં 2 મિ.મી. અને કુતિયાણામાં 3
મિ.મી. વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સવારે 8થી 10 દરમિયાન રાણાવાવમાં વધુ 5 મિ.મી. જ્યારે પોરબંદર અને કુતિયાણામાં 1-1 મિ.મી. વરસાદ પડ્યો હતો. સવારે 10થી 12 દરમિયાન રાણાવાવમાં વધુ 3 મિ.મી. વરસાદ નોંધાતા તાલુકામાં કુલ 10 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં કુતિયાણા તાલુકામાં કુલ 257 મિ.મી., રાણાવાવમાં 107 મિ.મી. અને પોરબંદર તાલુકામાં 64 મિ.મી. વરસાદ નોંધાયો છે. જોકે જિલ્લામાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.
ખાસ કરીને ખેતી અને જળાશયોની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો સહિત સૌની નજર હવે આગામી દિવસોમાં મેઘરાજા મનમુકીને વરસે તેના પર મંડાયેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya