મોબાઈલના આધુનિક યુગમાં પણ જૂના તવરા ગામે ધાર્મિક પરંપરાઓ જીવંત
ભરૂચ, 01 ઓગસ્ટ (હિ.સ.) આજના આધુનિક અને મોબાઈલના યુગમાં જ્યાં શહેરોમાં ધાર્મિક ઉત્સવોની ઉજવણીની શૈલી બદલાઈ રહી છે, ત્યારે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આજે પણ પ્રાચીન અને પૌરાણિક સંસ્કૃતિ તથા પરંપરાઓ અક્ષુણ્ણ જળવાઈ રહી છે. ગૌરીવ્રતના અંતિમ અને પા
મોબાઈલના આધુનિક યુગમાં પણ જૂના તવરા ગામે ધાર્મિક પરંપરાઓ જીવંત


મોબાઈલના આધુનિક યુગમાં પણ જૂના તવરા ગામે ધાર્મિક પરંપરાઓ જીવંત


મોબાઈલના આધુનિક યુગમાં પણ જૂના તવરા ગામે ધાર્મિક પરંપરાઓ જીવંત


ભરૂચ, 01 ઓગસ્ટ (હિ.સ.) આજના આધુનિક અને મોબાઈલના યુગમાં જ્યાં શહેરોમાં ધાર્મિક ઉત્સવોની ઉજવણીની શૈલી બદલાઈ રહી છે, ત્યારે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આજે પણ પ્રાચીન અને પૌરાણિક સંસ્કૃતિ તથા પરંપરાઓ અક્ષુણ્ણ જળવાઈ રહી છે. ગૌરીવ્રતના અંતિમ અને પાંચમા દિવસે ગામની 300 થી વધુ બાળાઓએ પોતાના જવારા સાથે પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.

ગૌરીવ્રત કરતી નાની-નાની બાળાઓ પોતાની જવારાની ટોપલીઓ લઈને ઢોલ-નગારાના તાલે એક સુંદર શોભાયાત્રા સ્વરૂપે ગામના ભૂદેવ રાજેશ પુરાણીના નિવાસ્થાને પહોંચી હતી. ત્યાં મહારાજ દ્વારા જવારાનું વિધિવત પૂજન-અર્ચન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ બાળાઓ અને ગ્રામજનોએ ભેગા મળી મહાઆરતી ઉતારી હતી તથા માતાજીના ગરબા અને ધાર્મિક ગીતોની રમઝટ બોલાવી હતી.

ગૌરીવ્રતના પાંચમા દિવસે પૂજન-અર્ચન પૂર્ણ કર્યા બાદ બાળાઓ જવારાની ટોપલીઓ પોતાના ઘરે લઈ ગઈ હતી. ગામના દરેક મહોલ્લા અને વિસ્તારમાં બાળાઓ જવારા સાથે ઘરે-ઘરે ફરીને આખી રાત માતાજીના ભજન-કીર્તન અને જાગરણની ઉજવણી કરતી જોવા મળી હતી. વ્રતના સમાપન રૂપે આવતીકાલે વહેલી સવારે 5 કલાકે પવિત્ર માં નર્મદાના નીરમાં જવારાનું ભાવપૂર્વક અને વિધિવત વિસર્જન કરવામાં આવશે.

આજના સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના જમાનામાં જ્યાં ગ્રામીણ સંસ્કૃતિ અને પૌરાણિક તહેવારો લુપ્ત થવાના આરે છે, ત્યારે જૂના તવરા ગામના ગ્રામજનો અને બાળાઓ દ્વારા જૂની પરંપરાઓને આ રીતે જીવંત રાખવાનો પ્રયાસ પ્રશંસનીય અને પ્રેરણાદાયી બની રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande