
જુનાગઢ, 01 ઓગસ્ટ (હિ.સ.) : ચોમાસાની ઋતુ એ ધરતીપુત્રો માટે એક સુવર્ણ અવસર સમાન છે. આ ઋતુમાં કુદરત પોતે જમીન, વાતાવરણ અને સુક્ષ્મજીવોને પુનર્જીવિત કરે છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂતો ચોમાસામાં ઉત્પાદન ખર્ચ શૂન્ય કરીને ઉત્કૃષ્ટ ઉત્પાદન મેળવી શકે છે.
વરસાદનું આગમન ધરતીપુત્રો માટે નવી આશા અને ઉત્સાહ લઈને આવે છે. ચોમાસા દરમિયાન વાતાવરણમાં રહેલો કુદરતી ભેજ અને વરસાદના પાણી સાથે ઉતરતો નાઇટ્રોજન જમીનમાં સક્રિય રહેલા અસંખ્ય સુક્ષ્મજીવો માટે અમૃત સમાન સાબિત થાય છે. આ સમયે પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો અપનાવીને ખેડૂતો ઓછા ખર્ચે ગુણવત્તાસભર ઉત્પાદન મેળવીને ખેતીને ખરા અર્થમાં જીવંત અને નફાકારક બનાવી શકે છે.
૧. પ્રાકૃતિક કૃષિના ચાર સ્તંભો :
• બીજામૃત (Bijamrit): ચોમાસામાં વવાતા કપાસ, મકાઈ, ડાંગર કે કઠોળના બિયારણને વાવણી પહેલાં દેશી ગાયના છાણ-મૂત્રમાંથી બનેલા બીજામૃતનો પટ આપવાથી પાકને ફૂગ અને જમીનજન્ય રોગો સામે કુદરતી સુરક્ષા કવચ મળે છે.
• જીવામૃત (Jivamrit): વાતાવરણના ભેજને કારણે જમીનમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયાનો ક્ષણવારમાં ગુણાકાર થાય છે. આ સમયે આપેલું જીવામૃત જમીનની ફળદ્રુપતા બમણી કરી દે છે.
• આચ્છાદન (Mulching): ચોમાસામાં ભારે વરસાદને કારણે ખેતરની ફળદ્રુપ માટીનું ધોવાણ અટકાવવા 'કાષ્ઠ આચ્છાદન' જેમાં સુકા પાંદડા/અવશેષો કે 'જીવંત આચ્છાદન' (અંતર પાક) અત્યંત જરૂરી છે.
• વાપસા (Waapasa): ચોમાસામાં જમીનમાં હવા અને પાણીનું ઉત્તમ સંતુલન જાળવવું જરૂરી છે, જેથી ચોમાસાના ભારે પાણીમાં પણ છોડના મૂળિયાં સડી ન જાય.
૨. ચોમાસામાં પ્રાકૃતિક ખેતીના મુખ્ય ફાયદા :
• દેશી અળસિયાની સક્રિયતા: ચોમાસામાં ભેજને કારણે જમીનમાં રહેલા અળસિયાં સક્રિય થઈને ઉપર આવે છે. તેઓ જમીનમાં અસંખ્ય છિદ્રો બનાવીને કુદરતી રીતે 'હળ' ચલાવવાનું કામ કરે છે.
• ભૂગર્ભ જળસંચય (Rainwater Harvesting): આચ્છાદન કરેલી પ્રાકૃતિક જમીન સ્પોન્જની (sponge) જેમ કામ કરે છે. જેથી વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે છે.
• ઝીરો બજેટ ખેતી: રાસાયણિક ખાતરો અને દવાઓનો ખર્ચ સંપૂર્ણપણે બંધ થતાં ખેડૂતની આર્થિક બચત થાય છે.
૩. ચોમાસામાં મિશ્ર પાક પદ્ધતિ અને પાક આયોજન ::
માહિતી અને કૃષિ તજજ્ઞોના જણાવ્યા મુજબ, ચોમાસામાં એક જ પાક લેવાને બદલે મિશ્ર પાક (Intercropping) કે બહુસ્તરીય ખેતી પદ્ધતિ અપનાવવી જોઈએ..
મુખ્ય પાક કપાસ, ડાંગર, મકાઈ, તલ, બાજરી ખેડૂતને મુખ્ય ઉત્પાદન અને આર્થિક આવક આપે છે.
કઠોળ વર્ગ (અંતર પાક) મગ, અડદ, તુવેર, ચોળી જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે.
આચ્છાદન પાક રજકો, શણ જમીનનું ધોવાણ અટકાવે છે અને નીંદણ કાબૂમાં રાખે છે.
૪. ચોમાસા દરમિયાન રાખવાની સાવચેતી અને કીટક નિયંત્રણ ::
ચોમાસામાં વધુ પડતા ભેજને કારણે ઉપદ્રવ કે રોગ આવવાની શક્યતા રહે છે. જેના માટે પ્રાકૃતિક ઉપાયો અગાઉથી કરવા જરૂરી છે.
1. પાણીના નિકાલની વ્યવસ્થા: ખેતરમાં વધારાના પાણીના નિકાલ માટે યોગ્ય નિકાલ-પાળ (Drainage) બનાવવી જેથી જમીનમાં 'વાપસા' સ્થિતિ જળવાઈ રહે.
2. નીંદણ વ્યવસ્થાપન: નીંદણને ઉખાડીને ફેંકી દેવાને બદલે તેને ખેતરમાં જ કાપીને જમીન પર પાથરી આચ્છાદન કરી દેવું.
3. કુદરતી કીટ નિયંત્રણ:
o ચુસિયા પ્રકારની જીવાતો સામે રક્ષણ માટે દર ૧૫ દિવસે નીમાસ્ત્ર, અગ્નિઆસ્ત્ર કે દશપર્ણી અર્કનો છંટકાવ કરવો.
o ફૂગજન્ય રોગો સામે રક્ષણ માટે તાંબાના વાસણમાં રાખેલી ખાટી છાશનું દ્રાવણ ઉત્તમ ફૂગનાશક તરીકે કામ કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ