
જામનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારે આજે સોમવારે અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. સવારે 11 વાગ્યાના અરસામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ત્યારબાદ વરસાદની છાંટા શરૂ થતાં શહેરમાં ફરી વરસાદી માહોલ સર્જાયો હતો.
હવામાન વિભાગ દ્વારા તા.11થી 13 ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના એક દિવસ પૂર્વે જ વાતાવરણમાં આવેલા પલટાને પગલે ફરી મેઘમહેરની આશા બંધાઈ છે. આકાશમાં વાદળોના ગંજાવર જમાવડા વચ્ચે વરસાદની શક્યતાઓને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા શહેરીજનો તેમજ ખેડૂતો હવે ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને ખેતી માટે વરસાદની જરૂરિયાત અનુભવાઈ રહી હોવાથી આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt