


ભરૂચ, 10 ઓગસ્ટ ( હિ. સ ) વાલિયા તાલુકાના ડહેલી ગામમાં તાજેતરમાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને પગલે અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત પૂર અસરગ્રસ્ત પરિવારોને આવશ્યક ખાદ્યસામગ્રી અને ઘરવપરાશની ચીજવસ્તુઓ ધરાવતી રાહત કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જીએમડીસીના ઈએફજી વાલિયા લિગ્નાઈટ પ્રોજેક્ટ અને દમલાય લિગ્નાઈટ પ્રોજેક્ટની ટીમોએ સંયુક્ત રીતે રાહત કામગીરીમાં સક્રિય ભાગ લીધો હતો. અસરગ્રસ્ત પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડવા માટે ટીમો દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં જઈને વિતરણની કામગીરી કરવામાં આવી હતી.રાહત કિટમાં ચોખા, ઘઉંનો લોટ, તુવેર દાળ, મગની દાળ, રવો, મીઠું, ખાંડ, ખાદ્ય તેલ, ચા, મસાલા સહિતની આવશ્યક ખાદ્યસામગ્રી ઉપરાંત નાહવાનો સાબુ, કપડાં ધોવાનો સાબુ અને વાળનું તેલ જેવી ઘરવપરાશની સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, પરિવારો માટે બટાકા અને ડુંગળીનું અલગ પેકેજ પણ આપવામાં આવ્યું હતું.
આ કામગીરીમાં ડહેલી ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. ગ્રામજનો અને સ્થાનિક સ્વયંસેવકોએ પણ રાહત સામગ્રીના વિતરણમાં સક્રિય સહકાર આપ્યો હતો.પૂર જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં જીએમડીસી દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી હતી. જીએમડીસીની પ્રોજેક્ટ ટીમો, ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી રાહત સામગ્રીનું વિતરણ સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું.
જીએમડીસી દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી સંસ્થા અને સ્થાનિક ગ્રામજનો વચ્ચેના સહકાર, સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ