

- રમણપુરાના બે યુવકો વાંકલ ગામે જઇને પાછા ફરતા હતા
ભરૂચ, 10 ઓગસ્ટ (હિ.સ.) : ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે એક ફોર વ્હિલર કાર અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવકનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું, જ્યારે મોટરસાયકલ પાછળ બેસેલ અન્ય યુવકને ઇજાઓ થઇ હતી.
અકસ્માતની આ ઘટનાની મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના રમણપુરા ગામે રહેતા ભરત કરશન વસાવા નેત્રંગ જીનબજાર ખાતે આવેલ એક દુકાનમાં નોકરી કરે છે. ભરતનો 18 વર્ષીય દિકરો સુજલ ગામમાં રહેતા તેના મિત્ર રીગ્નેશ સુરેશ વસાવા સાથે તેના મિત્રની મોટરસાયકલ લઇને વાંકલ ગામે કોઇ કામથી ગયા હતા. કામ પૂર્ણ કરી વાંકલથી નેત્રંગ પાછા ફરતા હતા તે અરસામાં સાંજના પોણા છ વાગ્યાના સમયે નેત્રંગ જીનબજાર અને ચાર રસ્તા વચ્ચે ચાર રસ્તા તરફથી આવતી એક ફોર વ્હિલર કાર આ યુવકની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત ભરત નેત્રંગ જીનબજારમાં જે દુકાને નોકરી કરતા હતા તે દુકાનની સામે થયો હતો. અકસ્માત થયો હોવાનું જણાતા દુકાનમાં બેઠેલ ભરત અને દુકાનમાલિક રસ્તા પર દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક સુજલને માથામાં ગંભીર ઇજા થઇ હોય બેભાન થઇ ગયો હતો, જ્યારે તેની સાથેના રીગ્નેશને પણ ઇજાઓ થઇ હતી. મોટરસાયકલ સવાર બન્ને યુવકોને એમ્બ્યુલન્સમાં નેત્રંગ સરકારી દવાખાને લઇ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને સુજલને મરણ પામેલ જાહેર કર્યો હતો.
અકસ્માત સંદર્ભે ભરત કરશન વસાવા રહે.ગામ રમણપુરા તા.નેત્રંગનાએ ફોર વ્હિલર ગાડીના ચાલક ભાવિક અમૃત રંગાણી રહે.નેત્રંગ જિ.ભરૂચના વિરૂધ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ