
સુરત, 10 ઓગસ્ટ (હિ.સ.) : માંડવી તાલુકાના તરસાડ ગામે સુરેખાબેન રમેશભાઈ હળપતિના પુત્ર સ્વ. આશિષભાઈ હળપતિને વીજ કરંટ લાગવાથી થયેલ આકસ્મિક અને દુઃખદ અવસાન અંગે પરિવારજનોએ માંડવી ખાતે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. આ ગંભીર દુર્ઘટના સંદર્ભે ધારાસભ્યએ ત્વરિત સંવેદના દાખવી સંબંધિત સરકારી તંત્ર તથા વીજ કંપની (GEB)ના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક તેમજ રૂબરૂ પરામર્શ કરી અસરગ્રસ્ત પરિવારને સરકારી નિયમોનુસાર ત્વરિત આર્થિક સહાય મળી રહે તે માટેની પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી હતી.
ધારાસભ્યના સક્રિય પ્રયાસોના પરિણામે સ્વ. આશિષભાઈના પરિવારને રૂ. 10 લાખની આર્થિક સહાય પ્રાપ્ત થઇ છે. ધારાસભ્યએ દિવંગતના શોકગ્રસ્ત પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઈ ઊંડી સંવેદના વ્યક્ત કરી સાંત્વના પાઠવી હતી અને શોકગ્રસ્ત પરિવારને પરમાત્મા આ અપૂરણીય ક્ષતિ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી હતી.
આ વેળાએ જી.ઈ.બી.ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એચ.જે. શેઠના, ડી.જી. મોરી સહિત અધિકારીઓ, સંગઠન હોદ્દેદારો, સરપંચ તેમજ અગ્રણીઓએ ઉપસ્થિત રહી દિવંગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે