જામનગરમાં નશામાં કાકા-ભત્રીજી અને પિતા-પુત્ર વચ્ચે ધમાલ : પોલીસે બે નશાબાજને ઝડપી લીધા
જામનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) :જામનગર શહેરમાં દારૂના નશામાં પરિવારજનો સાથે ધમાલ કરવાના બે અલગ બનાવમાં પોલીસે બે શખ્સોને ઝડપી લઇ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. ગુલાબનગરમાં કાકાએ ભત્રીજી સહિત પરિવારજનો સાથે બોલાચાલી કરી ગાળો બોલતાં ભત્રીજીએ 112માં
ધરપકડ


જામનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) :જામનગર શહેરમાં દારૂના નશામાં પરિવારજનો સાથે ધમાલ કરવાના બે અલગ બનાવમાં પોલીસે બે શખ્સોને ઝડપી લઇ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. ગુલાબનગરમાં કાકાએ ભત્રીજી સહિત પરિવારજનો સાથે બોલાચાલી કરી ગાળો બોલતાં ભત્રીજીએ 112માં ફોન કર્યો હતો, જ્યારે પીપરફળીમાં પુત્રએ દારૂના નશામાં પિતા અને પત્નીને ગાળો આપી તોફાન કરતાં પિતાએ પોલીસને જાણ કરી હતી.

ગુલાબનગર પોલીસ ચોકી પાછળ દેવીપૂજકવાસમાં રહેતી કીરણબેન નરેશભાઈ પરમાર (35)ના ઘરે તા.9 ઓગસ્ટના સાંજના સાડા છથી સાત વાગ્યાના અરસામાં તેમના કાકા મનુભાઈ સીદીભાઈ રાઠોડ (64) આવ્યા હતા. મનુભાઈ પોતાના પુત્ર સંજય સાથે બોલાચાલી કરી રહ્યા હતા અને પરિવારજનોને હેરાન પરેશાન કરી ગાળો બોલતા હોવાથી કીરણબેન સાથે પણ ઝઘડો કર્યો હતો. આથી કીરણબેને સાંજે 7:10 વાગ્યે 112માં ફોન કરતાં જનરક્ષકની ટીમ સ્થળે પહોંચી હતી અને કીરણબેન તથા મનુભાઈને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.

પોલીસ સમક્ષ પંચોની હાજરીમાં મનુભાઈની તપાસ કરતાં તેમની જીભ થોથરાતી, આંખો નશાથી લાલચોળ તથા શરીરનું સમતોલન જાળવી ન શકતા હોવાનું જણાયું હતું. દારૂ પીવા અંગે પાસ-પરમીટ માગતાં તેમની પાસે કોઈ પરમીટ ન હોવાનું સામે આવતાં પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) તથા 85(1) મુજબ ગુનો નોંધી રાત્રે 8 વાગ્યે તેમની ધરપકડ કરી હતી.

બીજા બનાવમાં દેવુભાનો ચોક, પીપરફળી વિસ્તારમાં રહેતા નિવૃત્ત નરેન્દ્રભાઈ જેઠાલાલ ચૌહાણના પુત્ર નીલ નરેન્દ્રભાઈ ચૌહાણએ દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી પિતા નરેન્દ્રભાઈ તથા પત્ની પાયલને ગાળો આપી તોફાન કર્યું હતું. પિતાએ ગાળો બોલવાની ના પાડતાં નીલે તેમની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. આથી નરેન્દ્રભાઈએ 112 જનરક્ષકમાં ફોન કરતાં પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી અને પિતા-પુત્રને સીટી-એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.

પોલીસે પંચોની હાજરીમાં નીલની તપાસ કરતાં તેની જીભ થોથરાતી, આંખો નશાથી લાલચોળ તથા ચાલતી વખતે શરીરનું સંતુલન જાળવી ન શકતો હોવાનું જણાયું હતું. તેની પાસે કેફી પીણું પીવા અંગે કોઈ પાસ-પરમીટ ન હોવાનું સામે આવતાં પોલીસે નીલ નરેન્દ્રભાઈ ચૌહાણ સામે પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) તથા 85(1) મુજબ ગુનો નોંધી ધોરણસર ધરપકડ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande