સોમનથમાં શ્રાવણ-2026: ભજન, ભોજન અને ભક્તિનો 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ
ગીર સોમનાથ, 10 ઓગસ્ટ (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 30 દિવસીય શ્રાવણ રુપી શીવ મહોત્સવનો પ્રારંભ તા.13/08/2026 થી થશે અને પૂર્ણાહુતી તા.11/09/2026 શ્રાવણ વદ અમાસના રોજ થશે. ત્યારે સોમનાથ ભજન ભોજન અને ભક્તિનું સંગમ
સોમનથમાં શ્રાવણ-2026 ભજન ભોજન અને ભક્તિનો 30 દિવસીય શ્રાવણ


ગીર સોમનાથ, 10 ઓગસ્ટ (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 30 દિવસીય શ્રાવણ રુપી શીવ મહોત્સવનો પ્રારંભ તા.13/08/2026 થી થશે અને પૂર્ણાહુતી તા.11/09/2026 શ્રાવણ વદ અમાસના રોજ થશે. ત્યારે સોમનાથ ભજન ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમ પૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

શ્રાવણમાં ભક્તો ચાર સોમવાર, અગીયારસ, રક્ષાબંધન, સાતમ-આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રિ, અમાસ સહિતના દિવસોમાં આવનાર માનવ મહેરામણના સ્વાગત માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રી સુવિધાઓ- પૂજન તેમજ આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન જન-જન ને સુંદર રીતે થાય તેવુ આગવુ આયોજન કરવામાં આવ્યુ છે.

પ્રથમ વખત સોમનાથમાં 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન:

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન, સોમનાથ મંદિરમાં પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞના મહાઅનુષ્ઠાનનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ આવનાર ભાવિકો ભગવાન ચંદ્ર દ્વારા મહામૃત્યુંજય મંત્રોથી સિદ્ધ થયેલ ભૂમિ પર યજ્ઞ પુણ્યનું અર્જન કરી શકે તેના માટે વિશેષ રૂપે આ મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં કોઈપણ ભક્ત જોડાઈ શકે, અને યજ્ઞનો લાભ લઇ શકે તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મંદિર પરિસરમાં સ્વાગત કક્ષ અને નિકાસ દ્વાર નજીક વિશેષ કાઉન્ટર પર 51₹ ન્યોછાવર કરી ભક્તોને યજ્ઞ માટે આહૂતિ દ્રવ્ય ધોતી અને યજ્ઞમાં યજમાન બનવાનું પુણ્ય મળે છે. સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી 1 કલાકના 9 અલગ અલગ સ્લોટમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

ભક્તો પારંપરિક વસ્ત્ર ધોતી પેહરીને યજ્ઞમાં જોડાય તેના માટે વિશેષ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં ધોતી ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે.

આ યજ્ઞ ભક્તોને પુણ્ય આપવાની સાથે ગીર સોમનાથ જિલ્લાના તમામ ગૌપાલકોને ભક્તિના તાંતણે જોડી રહ્યો છે. જેમાં સ્વયંસેવકો ગામે ગામ જઈને ગૌ પાલકોને આ મહાઅનુષ્ઠાનમાં ગીર ગાયના છાણાનું અનુદાન આપવા પ્રેરણા આપી રહ્યા છે. અત્યાર સુધીમાં હજારો ગૌપાલકોએ પોતાનું છાણાનું અનુદાન સોમનાથ મંદિરને અર્પણ કરવા નામ નોંધાવ્યું છે. ટ્રસ્ટની પોતાની ગીર ગૌશાળા છે જેમાંથી છાણા મળી રહે, પરંતુ ગૌપાલકોને નંદીશ્વરની સેવામાં જોડીને સનાતન ધર્મમાં ગૌ માતાના મહત્વને ફરીથી સમાજ વચ્ચે પ્રતિપાદિત કરવાનો આ ટ્રસ્ટનો વિનમ્ર પ્રયાસ છે.

શ્રાવણ દરમિયાન વિશેષ શ્રૃંગાર અને શૃંગાર પૂજનનો અવસર:

શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી અલંકૃત કરવામાં આવશે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને સવાલક્ષ બિલ્વ પત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, સહિતના 30 દિવસના અલગ અલગ ધાર્મિક મહાત્મ્ય સાથેના શૃંગાર કરવામાં આવશે. વિશેષ રૂપે શ્રાવણના પ્રથમ 3 સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વ પર વિશેષ સ્વાભિમાન શ્રૃંગાર કરવામાં આવશે આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર રાશી આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. શૃંગાર નોંધાવનાર દરેક ભક્તને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોમ્પ્લીમેન્ટરી સ્વરૂપે સોમેશ્વર મહાપૂજા પણ કરાવવામાં આવશે. મંદિરના પૂજા વિધિ કાઉન્ટર પર ઈચ્છુક ભક્ત શૃંગાર ન્યોછાવર કરી શકશે.

યાત્રીઓની વધતી સંખ્યા માટે વિશેષ વ્યવસ્થાપન:

પ્રતિ વર્ષ શ્રાવણ માસ દરમિયાન લાખોની સંખ્યામાં વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે. અને દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતા વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારવાનો અંદાજો લગાવાઇ રહ્યો છે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વધારે માત્રામાં આવનારી યાત્રીઓ માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઉભી કરી છે, શ્રાવણ માસ માટે વધારાની સાધન સામગ્રી સાથે વધુ સ્ટાફ મંદિરમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે. શ્રી સોમનાથ મંદિર દરવર્ષની જેમ આ વર્ષે પણ સોમવાર તથા તહેવારોના દિવસોએ સવારના 4-00 વાગ્યે ખોલવામાં આવશે.

દિવ્યાંગ અને વૃદ્ધ ફ્રેન્ડલી સુવિધા:

વૃદ્ધો અશક્ત યાત્રીકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી શ્રી સોમનાથ મંદિર સુધી પહોચવા ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી નિઃશુલ્ક ટોય ટ્રેનની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શ્રી સોમનાથ મંદિર પરિસરના અપ્રોચ એરિયામાં ટ્રસ્ટ દ્વારા સ્વાગત કક્ષ ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટા અક્ષરે સ્વાગત કક્ષ લખેલા સફેદ ટેન્ટમાં વૃદ્ધો તેમ દિવ્યાંગો માટે વ્હીલ ચેર, મંદિરમાં ચાલનારી ગોલ્ફ કાર્ટ માટે સીનીયર સીટીઝન અને દિવ્યાંગો માટે નિશુલ્ક 0₹ ટિકિટ તેમજ વિશેષ જરૂરિયાત હોય તેવા યાત્રીઓ માટે સહાયક ગોઠવવામાં આવ્યા છે. વૃદ્ધો અને દિવ્યાંગોને દર્શનમાં સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.

સંકીર્તન ભવનમાં પૂજન વ્યવસ્થા: સોમનાથ મંદિરમાં સૌથી ઉત્કૃષ્ટ યાત્રી અનુભવ આપવા મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા માટે માળખું ઊભું કરવામાં આવ્યું છે. વધારાનો સ્ટાફ, સુપરવાઇઝરો, પંડિતજી સહિતની ટીમ દ્વારા અહી ધ્વજા પૂજા, પાઘ પૂજા, માર્કંડેય પૂજા, કાલસર્પયોગ નિવારણ પૂજા, રુદ્રાભિષેક પાઠ, સંકલ્પ, સહિતની પૂજન વ્યવસ્થા કરવામાં આવશે. અહીં જ યાત્રી વિશેષ કાઉન્ટર પર પૂજા નોંધાવી પણ શકશે. પોતે કરાવેલ પૂજાનો પ્રસાદ પણ અહીં જ પૂજા નોંધાવનાર ભક્તોને પહોંચાડવામાં આવશે. પૂજા માટે સંકીર્તન ભવન વન સ્ટોપ સોલ્યુશન બનશે.

પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25₹ માં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ

સોમનાથની પાલખીયાત્રા: શિવભક્તિનો અદભુત અનુભવ:

સોમનાથ મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા એ માત્ર એક યાત્રા નથી, પરંતુ ભક્તિનો અનોખો અલભ્ય અનુભવ છે. સોમનાથ ટ્રસ્ટ મહાદેવના સ્વરૂપનું વિધિવિધાન થી પૂજન કરી પાલખીને યાત્રા પ્રસ્થાન કરાવે છે. ત્યારે હજારો શિવભક્તો મળીને આ યાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીને ઊંચકીને પુણ્યનું અર્જન કરે છે. હવેથી શ્રાવણ માસના ચાર સોમવાર ઉપરાંત શ્રાવણ માહની પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ પાલખીયાત્રા નું પ્રથમ વખત વિશેષ આયોજન કરવામાં આવનાર છે.

Somnath.org સોમનાથનું વન સ્ટોપ સોલ્યુશન:

શ્રી સોમનાથ મંદિરમાં થતી દરેક પૂજા જેમાં સોમેશ્વરપૂજા,ધ્વજા પૂજા, મહામૃત્યુંજય મંત્રજાપ, યજ્ઞ, શૃંગાર દર્શન પૂજા, બિલવપુજા, સવાલક્ષ બિલ્વપૂજા, સહિત પૂજાવિધિઓ શ્રધ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ SOMNATH.ORG પરથી ઓનલાઇન નોંધાવી શકશે. જે શ્રદ્ધાળુ સોમનાથ ન પહોંચી શકે તેમને ઝૂમ એપના માધ્યમથી ઓનલાઈન સંકલ્પ કરાવી તેમની પૂજા સંપન્ન કરાવવામાં આવશે. Somnath.org પરથી સોમનાથ ટ્રસ્ટના સાગરદર્શન, લીલાવતી, માહેશ્વરી સહિતના અતિથિભવનોમાં રુમનું ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાશે.

સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન :

શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશ્યલ મીડીયા ના માધ્યમથી દર્શન અને આરતી નો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના સોશિયલ મીડિયા પરથી મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થાપન:

શ્રાવણ માસ દરમીયાન લાખો દર્શનાર્થીઓ સોમનાથ દાદાના દર્શનનો લાભ લેશે, દર્શન અને આરતી દરમિયાન ભક્તોએ સતત ચાલતા રહેવું પડશે. દર્શન બાદ યાત્રીઓ મંદિરની અંદર રોકાઇ શકશે નહિં, યાત્રિઓ ને મુશ્કેલી ન પડે અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત અને વિશેષ સ્ટાફ ગોઠવી વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરના અપ્રોચ એરિયાથી લઈને પ્રવેશ નિકાસ એરિયા અને મુખ્ય પરિસરમાં થોડા થોડા અંતરે આર.ઓ પ્યુરીફાઈડ પીવાના પાણીના પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. શ્રાવણમાં યાત્રીઓના પ્રવાહને ધ્યાને રાખી, વધુ માત્રામાં પ્રસાદ નિર્માણ, પૂજાવિધિ-ક્લોકરૂમ-જુતાઘર સહીતની વધારાની વ્યવસ્થા કરવામાં આવશે. શ્રાવણમાસ દરમ્યાન સ્વાગત કક્ષથી યાત્રીઓને સતત મદદ-માર્ગદર્શન મળી રહેશે. ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં ક્ષમતા વધારી યાત્રીઓની સુવિધા વધે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

યાત્રીઓની સુરક્ષા અને સલામતીને મહત્વ:

સોમનાથ મંદિરમાં ફાયર સિસ્ટમ જેવી અનેકવિધ ટેકનિકલી એડવાન્સ ફાયર રજીસ્ટન્સ સિસ્ટમ લગાવવામાં આવેલ છે, વધુમાં મંદિરમાં ખૂણે ખૂણે અગ્નિશામક લગાવવામાં આવ્યા છે. મંદિરના પ્રત્યેક કર્મચારીને અગ્નિશામક ની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં આવનાર ભક્તોને કોઈ ઈજા થાય તો ટેમ્પલ ઓફિસ /પી.આર.ઓ ઓફિસ ખાતે ફર્સ્ટ એડ કીટ અને પ્રશિક્ષણ પામેલ સ્ટાફ રાખવામાં આવેલ છે. ભક્તના સ્વાસ્થયને સૌથી પહેલી પ્રાથમિકતા આપવા માટે તમામ કર્મચારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.

તીર્થના અન્ય ધર્મસ્થાનો પર તૈયારીઓ:

શ્રી ભાલકાતીર્થી, ગીતા મંદિર , શ્રી ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ પર્વે શ્રાવણ સુદ એકમ થી શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભક્તજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઇ શકશે.

વંદે સોમનાથ કલા મહોત્સવ:

શ્રી સોમનાથ મહાદેવ સમક્ષ કલાકારો નૃત્ય અને સંગીત દ્વારા નટરાજની આરાધના કરતા તેવા ગૌરવમયી ઈતિહાસને પુનઃસ્થાપિત કરવા માટે ટ્રસ્ટ દ્વારા ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર સાથે સંયુક્ત ઉપક્રમમાં શ્રાવણના દરેક સોમવારે રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ પામેલ કલાકારો દ્વારા કલા આરાધના નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સોમનાથ મહાદેવના દર્શન પધારનાર ભાવિકો લાભ લઇ શકશે.

એકમાર્ગીય રસ્તો:

શ્રાવણ માસ દરમ્યાન ગુરૂકુળ શંખ સર્કલ થી રામ મંદિર સુધીનો રસ્તો એકમાર્ગીય રહેશે. પાર્કિંગમાં પ્રવેશ કર્યા બાદ વાહનો પાર્કિંગના નિકાસ દ્વારથી રામ મંદિર થી હાઇવે ને જોડતા માર્ગ પર નિકાસ કરી શકશે. યાત્રીકોની સંખ્યાને ધ્યાનમાં રાખી ટુવ્હિલર પાર્કિંગ સહિત પાર્કિંગ સુવિધા માં પણ વધારો કરવામાં આવેલ છે.

સ્વચ્છતા ને પ્રાથમિકતા:

સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ ટ્રસ્ટ, નગરપાલીકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે રાત્રી સફાઇ ની વ્યવસ્થા ગોઠવાશે. આવનાર યાત્રીકો પવિત્ર યાત્રાધામ માં કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખી સ્વચ્છતા જાળવવા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.

ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમો:

શ્રાવણ માસ દરમ્યાન સમગ્ર વ્યવસ્થા તેમજ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇ ના માર્ગદર્શન નીચે સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.

શ્રાવણ માસ દરમ્યાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસકર્મીઓ એસઆરપીના જવાનો તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે આયોજનબદ્ધ ગોઠવેલ છે. શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રીસુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનીક જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલિસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande