
- સ્વાસ્થ્ય, પોષણ અને વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો મુખ્ય ઉદ્દેશ.
ગીર સોમનાથ, 10 ઓગસ્ટ (હિ.સ.) : મહિલા અને બાળ અધિકારી ગીર સોમનાથ અને આરોગ્ય પરિવાર કલ્યાણ અને આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે સાગરપુત્ર ફાઉન્ડેશન કામનાથ હોલ વેરાવળ ખાતે પૂર્ણા યોજના અંતર્ગત “મહિલા અને બાળ આરોગ્ય દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક વિસ્તારની મહિલાઓ, કિશોરીઓ, માતાઓમાં સ્વાસ્થ્ય, પોષણ અને વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
આ ઉજવણી અંતર્ગત કિશોરીઓને જીવનકૌશલ્ય અને સ્વાસ્થ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. તેમજ માસિક ચક્રનો સમયગાળો, બ્લીડિંગના દિવસો અને પેડ બદલવાની સાચી સમયમર્યાદા. શારીરિક ક્રેમ્પ્સ, થાક અને હોર્મોનલ બદલાવોની વિગત તેમજ સેનિટરી પેડ્સનો સુરક્ષિત ઉપયોગ અને તેનો યોગ્ય નિકાલ કરવાની રીત જણાવવામાં આવી હતી.
કિશોરીઓ અને મહિલાઓમાં માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સેનેટરી પેડ્સ અને ખાસ 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન કીટ' નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત છેડતીથી રક્ષણ, બાળલગ્ન, સોશિયલ મીડિયાના માધ્યમથી હેરાનગતિ અટકાવવા, મુશ્કેલીના સમયમાં તાત્કાલિક બચાવ સહિતની 181 અભયમની કાર્યપદ્ધતિથી માહિતગાર કરાયા હતાં.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પૂર્ણા કન્સલ્ટ, DHEW ટીમ, પી.બી.એસ.સી, સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ, ટીમ, મુખ્ય સેવિક, સુપરવાઈઝર્સે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ