
સુરત, 10 ઓગસ્ટ (હિ.સ.) : ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો દેશની સ્વતંત્રતા, એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યોનું સર્વોચ્ચ પ્રતીક છે. તિરંગાનું ગૌરવ અને સન્માન જળવાઈ રહે તે માટે ભારત સરકારે 'ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા' (Flag Code of India) અમલમાં મૂક્યો છે. આ આચારસંહિતા રાષ્ટ્રધ્વજના નિર્માણ, પ્રદર્શન, ઉપયોગ અને સન્માન સંબંધિત નિયમો નક્કી કરે છે.
ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા-2002 26 જાન્યુઆરી, 2002થી અમલમાં આવ્યો છે. તે પહેલાં સામાન્ય નાગરિકોને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની મર્યાદિત છૂટ હતી. નવા ફ્લેગ કોડ દ્વારા દરેક ભારતીય નાગરિકને રાષ્ટ્રધ્વજ પ્રત્યે યોગ્ય આદર જાળવી પોતાના ઘર, કચેરી અથવા અન્ય સ્થળે તિરંગો ફરકાવવાનો અધિકાર મળ્યો.
વર્ષ 2021 અને 2022માં કેન્દ્ર સરકારે ફ્લેગ કોડમાં કેટલાક મહત્વપૂર્ણ સુધારા કર્યા. તેના કારણે મશીનથી બનાવેલા તેમજ પોલિએસ્ટર સહિત વિવિધ કાપડના રાષ્ટ્રધ્વજને પણ મંજૂરી આપવામાં આવી. ઉપરાંત, યોગ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવે તો દિવસ-રાત તિરંગો ફરકાવવાની પણ છૂટ આપવામાં આવી. આ સુધારાઓના પરિણામે 'હર ઘર તિરંગા' જેવા જનભાગીદારીના અભિયાનને વ્યાપક સફળતા મળી.
ફ્લેગ કોડ અનુસાર રાષ્ટ્રધ્વજનો ઉપયોગ હંમેશા ગૌરવપૂર્ણ રીતે કરવો જોઈએ. તિરંગો જમીન પર પડવો ન જોઈએ, ફાટેલો કે મેલો ધ્વજ ફરકાવવો નહીં, તેનો વ્યાવસાયિક જાહેરાત, વસ્ત્રો અથવા સજાવટ માટે અયોગ્ય ઉપયોગ ન કરવો જોઈએ અને ધ્વજનું અપમાન થાય તેવી કોઈપણ પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ. રાષ્ટ્રધ્વજ હંમેશા સન્માનના સર્વોચ્ચ સ્થાન પર પ્રદર્શિત કરવો જોઈએ.
ભારતના બંધારણની કલમ 51(અ) હેઠળ દરેક નાગરિકનું મૂળભૂત કર્તવ્ય છે કે તે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કરે. રાષ્ટ્રધ્વજઅપમાન કરવું 'પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઑનર એક્ટ, 1971' હેઠળ દંડનીય ગુનો છે.
'ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા' માત્ર નિયમોનો સંગ્રહ નથી, પરંતુ દેશ પ્રત્યેના ગૌરવ, કર્તવ્ય અને રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ છે. તિરંગો આપણા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું પ્રતીક છે. તેથી દરેક નાગરિકની ફરજ છે કે તે ફ્લેગ કોડનું પાલન કરીને તિરંગાની આન, બાન અને શાનને અખંડિત રાખે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે