
ગાંધીનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) : 12 ઓગસ્ટના રોજ ‘રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ’ (National Librarians' Day) નિમિત્તે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના આંતર-યુનિવર્સિટી કેન્દ્ર, ઇન્ફર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક (INFLIBNET) સેન્ટર દ્વારા પુસ્તકાલયો, ગ્રંથપાલો અને આપણા જીવનમાં જ્ઞાનના મહત્વની ઉજવણી કરવા માટે એક રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં પુસ્તકાલય વિજ્ઞાનના પિતા પ્રો. એસ. આર. રંગનાથનની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે શરૂ કરાયેલું આ અભિયાન LoveLibraries અને EmbraceKnowledge નો સંદેશ આપે છે. અત્યાર સુધીમાં દેશભરના 5000થી વધુ નાગરિકો, 30 રાષ્ટ્રીય મંડળો અને જાણીતા શિક્ષણશાસ્ત્રીઓએ આ અભિયાનને સમર્થન આપ્યું છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરના વિદ્યાર્થીઓ, સંશોધકો, શિક્ષકો, ગ્રંથપાલો અને નાગરિકોને પુસ્તકાલયો તરફ ફરી આકર્ષવાનો છે. પુસ્તકાલયો માત્ર પુસ્તકો રાખવાની જગ્યા નથી, પરંતુ શીખવા, નવી શોધ કરવા, સમાનતા, સર્જનાત્મકતા અને આજીવન જ્ઞાન મેળવવા માટેના જીવંત સ્થળો છે. આ અભિયાનમાં જોડાવા માટેની વિગતો https://infcamp.inflibnet.ac.in/ પર ઉપલબ્ધ છે.
ગ્રંથપાલ ક્ષેત્રને નવો વળાંક આપનાર દ્રષ્ટાવંત વિભૂતિની ઉજવણી 12 ઓગસ્ટ, 1892ના રોજ જન્મેલા પ્રો. એસ. આર. રંગનાથને ભારતમાં પુસ્તકાલયો અને સમાજમાં તેમની ભૂમિકા પ્રત્યેનો અભિગમ બદલી નાખ્યો હતો. ફેસિટ એનાલિસિસ (Facet Analysis) અને ફંડામેન્ટલ કેટેગરીઝ (Fundamental Categories) જેવા તેમના કાર્યો આજે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત છે. એક સદી કરતાં પણ વધુ સમય પછી પણ તેમનો આ દ્રષ્ટિકોણ ખૂબ જ પ્રાસંગિક છે.
આજે ભૌતિક પુસ્તકોની સાથે ઈ-બુક્સ, રિસર્ચ પેપર્સ અને ડેટાસેટ્સ, કેટેલોગ અને ડિસ્કવરી સિસ્ટમ્સ, અને પુસ્તકાલય સાથે ડિજિટલ રેપોઝિટરીઝ જોડાઈ ગઈ છે. આમ છતાં, તેનો મૂળભૂત હેતુ આજે પણ એ જ રહ્યો છે: લોકોને જ્ઞાન શોધવામાં, મેળવવામાં, ચકાસવામાં અને તેનો ઉપયોગ કરવામાં મદદ કરવાનો.
સમગ્ર ભારતમાં પુસ્તકાલયો હવે માત્ર પુiસ્તકોના સંગ્રહસ્થાન મટીને પરસ્પર જોડાયેલી જ્ઞાન પ્રણાલી (Knowledge Ecosystem) માં રૂપાંતરિત થઈ રહ્યા છે. ડિજિટલ ટેક્નોલોજીના કારણે પુસ્તકાલયોની પહોંચ ચાર દીવાલોની બહાર વિસ્તરી છે, જેનાથી વિદ્યાર્થીઓ અને સંશોધકો શૈક્ષણિક સંસાધનો શોધી શકે છે, સંશોધન પરિણામો મેળવી શકે છે, નિષ્ણાતો સાથે જોડાણ કરી શકે છે અને જ્ઞાનની વધુ ખુલ્લી તથા જોડાયેલી દુનિયાનો ભાગ બની શકે છે.
ઉચ્ચ શિક્ષણમાં પુસ્તકાલય અને માહિતી સેવાઓને મજબૂત કરવા માટે સમર્પિત રાષ્ટ્રીય સંસ્થા તરીકે, ઇન્ફ્લિબનેટ કેન્દ્ર વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ અને સેવાઓ દ્વારા આ પરિવર્તનમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. શોધગંગા (6.9 લાખથી વધુ થીસીસનો સંગ્રહ), IndCat (2.6 કરોડથી વધુ પુસ્તકોનું યુનિયન કેટેલોગ), SOUL (લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર), શોધ-ચક્ર (સંશોધન જીવનચક્ર પ્લેટફોર્મ), IRINS/Vidwan (રાષ્ટ્રીય નિષ્ણાત ડેટાબેઝ) જેવી યોજનાઓ અને સેવાઓ પુસ્તકાલયોના પરંપરાગત ધ્યેયને ડિજિટલ યુગમાં આગળ ધપાવે છે.
રાષ્ટ્રીય માધ્યમોના પ્રતિનિધિઓને સંબોધતા, ઇન્ફ્લિબનેટ કેન્દ્રના નિયામક પ્રો. દેવિકા પી. માડલ્લી એ PM 'વન નેશન વન સબ્સ્ક્રિપ્શન' (ONOS) ની પહેલ વિશે માહિતી આપી હતી. આ યોજના તમામ સરકારી સંસ્થાઓ અને સંશોધન પ્રયોગશાળાઓને આંતરરાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિક જર્નલ્સ સુધી સરળ પહોંચ આપે છે, જેથી શૈક્ષણિક જ્ઞાનનો વ્યાપ વધારી શકાય. ઇન્ફ્લિબનેટ કેન્દ્ર વિવિધ રાજ્યો અને શૈક્ષણિક કેન્દ્રોમાં દર અઠવાડિયે રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન તાલીમ અને નિયમિતપણે ૨ થી ૩ ગહન ઓફલાઇન જાગૃતિ કાર્યશાળાઓનું આયોજન કરે છે.
આનો ઉદ્દેશ્ય પુસ્તકાલયની જગ્યાએ ટેક્નોલોજી લાવવાનો નથી, પરંતુ ટેક્નોલોજીના માધ્યમથી પુસ્તકાલયના મૂળ સંકલ્પને વધુ મજબૂત કરવાનો છે: દરેક વિદ્યાર્થી અને સંશોધક સુધી જ્ઞાનને વધુ નજીક લાવવું.
ઇન્ફ્લિબનેટ કેન્દ્રના નિયામક પ્રો. દેવિકા પી. માડલ્લીએ જણાવ્યું હતું કે: “પુસ્તકાલયો માત્ર પુસ્તકો સાચવવાનું સ્થાન નથી, પણ તે જ્ઞાન, નવી તકો અને શીખવાની સ્વતંત્રતાનું પ્રતીક છે. એક સતત વિકસતી અને જીવંત સંસ્થા તરીકે પુસ્તકાલય વિશેનો પ્રો. એસ. આર. રંગનાથનનો દ્રષ્ટિકોણ આ ડિજિટલ યુગમાં પણ આપણને માર્ગદર્શન આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ