
જુનાગઢ, 10 ઓગસ્ટ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં માળીયા હાટીના તાલુકામાં આજે તા. ૧૦ ઓગસ્ટ ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાન તાલુકા હેલ્થ ઓફિસ માળીયાના ડૉ. ડાભી અને તમામ પીએચસી ના મેડિકલ ઓફિસર્સના સચોટ માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાના ૧ થી ૧૯ વર્ષ સુધીના શાળાએ જતા તેમજ ન જતા તમામ બાળકોને કૃમિમુક્ત કરવા માટે FHW , MPHW, CHO અને આશા બહેનો દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.
આ અભિયાનમાં બાળકો તેમજ શિક્ષકોને આ અંગે વિશેષ સમજૂતી આપવામાં આવી હતી, જેમાં ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને આલબેન્ડાઝોલ (Albendazole) ની ગોળી ચાવીને ખાવાની અને ત્યારબાદ સ્વચ્છ પાણી પીવાની સમજ આપી ગોળીનું વિતરણ કરાયું હતું. પેટમાં કૃમિ થવાથી પોષક તત્વો અને લોહીની ઉણપ સર્જાય છે, વિકાસીય અવરોધો આવે છે અને એકાગ્રતા તથા શારીરિક સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે, જેનાથી બચવા આ ગોળી અત્યંત મહત્વપૂર્ણ છે. જો કોઈ બાળક દવા લેવાથી બાકી રહી ગયું હશે તો તેને આગામી મોક રાઉન્ડમાં આવરી લેવામાં આવશે.
આ રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવવા માટે વાલીઓ, શિક્ષકો, આંગણવાડી કાર્યકર બહેનો અને આરોગ્ય ટીમે સક્રિય સહયોગ પૂરો પાડ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ