
મહેસાણા, 10 ઓગસ્ટ (હિ.સ.) આગામી 15 ઓગસ્ટ, 2026ના રોજ ખેરાલુ ખાતે જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. ઉજવણીના સુચારુ આયોજન માટે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શાલિની દુહાનના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ખેરાલુ સ્થિત ધી કે.એન.એસ.બી.એલ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે સવારે 09:00 કલાકે ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા, આમંત્રણ કાર્ડ, મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ, કાયદો અને વ્યવસ્થા, સરકારી કચેરીઓ તથા કાર્યક્રમ સ્થળે રોશની સહિતની વ્યવસ્થાઓ અંગે અધિકારીઓને સૂચના આપી હતી.
આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માનિતોની યાદી, ટેબ્લો, કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ અને મેડિકલ ટીમ સહિતની આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR