
મહેસાણા, 10 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ શહેરના સૌંદર્યીકરણ અને સ્વચ્છતાના કામોમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. શહેરના રસ્તાઓ, ચોકડીઓ અને જાહેર સ્થળોની દીવાલો હવે ગંદકી અને જાહેરાતોના બદલે રંગબેરંગી ચિત્રો અને આકર્ષક કલાકૃતિઓથી શોભી રહી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 1200થી વધુ થ્રી-ડી પેઇન્ટિંગ્સ અને વોલ આર્ટ બનાવવામાં આવ્યાં છે.
રાધનપુર ચોકડીથી ગોપીનાળા તરફના માર્ગ પર અગાઉ ગંદકી જોવા મળતી હતી, ત્યાં સફાઈ બાદ મહાત્મા ગાંધી, વન્યજીવો, ‘જય જવાન જય કિસાન’ અને ‘ફિટ મહેસાણા’ જેવી થીમ આધારિત પેઇન્ટિંગ્સ બનાવવામાં આવી છે. આ માર્ગને આઇકોનિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કલેક્ટર કચેરીથી જિલ્લા પંચાયત તરફની દીવાલો પર ગુજરાત અને સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, ગ્રામ્યજીવન, પતંગોત્સવ, દાંડિયા-રાસ અને વન્યજીવનનાં દૃશ્યો કંડારવામાં આવ્યાં છે.
આ ઉપરાંત અગાઉના 10 જેટલા ડમ્પિંગ પોઈન્ટ્સને સ્વચ્છ કરીને ગ્રીનરી અને બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બિલાડી બાગથી માનવ આશ્રમ અને ભમ્મરીયા નાળા સહિતના વિસ્તારોમાં પણ પેઇન્ટિંગની કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં રાજમહેલ અને મોઢેરા સૂર્યમંદિર જેવા ઐતિહાસિક સ્થળોની ઝલક પણ દીવાલો પર જોવા મળશે. આમ, મહેસાણાની દીવાલો શહેરની કલા, સંસ્કૃતિ અને વારસાની ‘ઓપન આર્ટ ગેલેરી’ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR