
ગૌહાટી, નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) અસમમાં હજુ પણ પૂરથી 441 ગામ ઘેરાયેલા છે અને 112718 નાગરિકો પ્રભાવિત છે. નદીઓનું જળસ્તર સતત ઘટી રહ્યું છે. તેના કારણે અનેક જિલ્લાઓમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે. જોકે, કેટલાક જિલ્લાઓમાં પૂરનો પ્રભાવ હજુ પણ યથાવત્ છે. અહીંના પ્રભાવિત લોકો રાહત શિબિરો ઉપરાંત તટબંધો પર પ્લાસ્ટિકના ટેન્ટમાં આશ્રય લઈ રહ્યા છે. મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમા દરરોજ સમીક્ષા બેઠક કરીને અધિકારીઓને શક્ય તમામ પગલાં લેવા સૂચના આપી રહ્યા છે. તેઓ મંત્રીમંડળના સહયોગીઓ સાથે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પણ લઈ રહ્યા છે. સ્વયંસેવી સંસ્થાઓ અને ખાનગી સ્તરે પણ લોકો પ્રભાવિતોની મદદમાં જોડાયેલા છે.
અસમ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના 11 ઓગસ્ટના આંકડા મુજબ, ધનસિરી નદી (નુમલીગઢ) તથા કુશિયારા નદી (શ્રીભૂમિ) વિસ્તારમાં હજુ પણ જોખમના નિશાનથી ઉપર વહે છે. અત્યાર સુધી પૂરથી 102 લોકોના મોત થયા છે. હજુ પણ ગોલાઘાટ, શિવસાગર, હોજાઈ, જોરહાટ, દરંગ, લખીમપુર અને નગાંવ જિલ્લા પૂરથી ઘેરાયેલા છે. આ જિલ્લાઓના 25 રાજસ્વ મંડળોના કુલ 441 ગામ પ્રભાવિત છે. હાલ રાજ્યના કુલ 112718 નાગરિકો પૂરથી પ્રભાવિત છે. 10879.03 હેક્ટર કૃષિ જમીન પાણીમાં ડૂબી ગઈ છે.
પૂરમાં રાહત અને બચાવ અભિયાનમાં એસડીઆરએફ, ડીડીઆરએફ, પોલીસ, અગ્નિશમન અને આપાતકાલીન સેવાઓ (એફ એન્ડ ઈએસ), સર્કલ કાર્યાલય/સ્થાનિક વહીવટીતંત્ર તથા નાગરિક સુરક્ષા/પ્રશિક્ષિત સ્વયંસેવકો જોડાયેલા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં મંગળવારે સરકારે 67 મેડિકલ ટીમો તૈનાત કરી હતી. આ દરમિયાન 10 નાવડીઓ પણ રાહત કાર્યમાં જોડાયેલી રહી. નાવડીઓ દ્વારા 121 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા. પૂરથી મોટા પાયે રસ્તા, પુલ અને અન્ય આધારભૂત માળખાને નુકસાન થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ