
નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે બુધવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને જણાવ્યું કે સરકાર સંસદમાં નીટ પરીક્ષા મુદ્દે વિદ્યાર્થી આંદોલનના મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે. તેમણે વિપક્ષને ચર્ચા કરીને આ વિષય માટે પૂરતો સમય ફાળવવાની વિનંતી કરી છે.
અમિત શાહે પત્રમાં જણાવ્યું કે, સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં સરકાર તરફથી સંસદમાં નીટ પરીક્ષા મુદ્દે વિદ્યાર્થી આંદોલનના મુદ્દા પર ચર્ચા માટે સંમતિ આપી છે.
તેમણે કહ્યું કે, વિપક્ષના આગ્રહ પર વર્તમાન સંસદીય સત્રમાં લોક પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) સંશોધન વિધેયક, 2026 પર પહેલેથી જ ચર્ચા થઈ ચૂકી છે, જેમાં વિપક્ષના કોઈપણ સાંસદે નીટ પરીક્ષા અંગે ગૃહમાં કોઈ વિચાર વ્યક્ત કર્યો નહોતો. તેમ છતાં સરકાર આ મુદ્દા પર ચર્ચા માટે ફરી તૈયાર છે.
ગૃહમંત્રીએ લોકસભા અધ્યક્ષને વિનંતી કરી કે, વિપક્ષ સાથે ચર્ચા કરીને પરસ્પર સહમતિથી આજથી જેટલો સમય અને જેટલા કલાક યોગ્ય સમજાય, તેટલો સમય આ મુદ્દા પર ચર્ચા માટે ફાળવવામાં આવે. તેમણે કહ્યું કે નિર્ધારિત સમય દરમિયાન તેઓ ગૃહમાં હાજર રહીને આ મુદ્દા પર ચર્ચામાં ભાગ લેવા ઇચ્છે છે અને વિપક્ષના તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર છે.
શાહે કહ્યું કે, લોકશાહીમાં ચર્ચા અને સંવાદથી જ ઉકેલ નીકળે છે. તેમણે કહ્યું કે, તેમને લોકશાહી અને લોકશાહી સંસ્થાઓમાં અડગ વિશ્વાસ છે અને તેમનું માનવું છે કે ગૃહ ચર્ચા અને સંવાદ માટે જ છે.
તેમણે લોકસભા અધ્યક્ષને, વિપક્ષના નેતાઓ સાથે ચર્ચા કરીને આ મહત્વપૂર્ણ મુદ્દા પર ગૃહમાં સારો વાતાવરણ બનાવવા અનુરોધ કર્યો, જેથી પક્ષ અને વિપક્ષના તમામ સભ્યો આ મુદ્દા પર પોતાના વિચારો રજૂ કરી શકે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ