
નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય (પીએમએમએલ)એ બુધવારે પોતાનો નવો એકીકૃત પોર્ટલ લોન્ચ કર્યો. નવા પોર્ટલ દ્વારા પીએમએમએલ સાથે જોડાયેલી વિવિધ ડિજિટલ સેવાઓ અને વેબસાઇટોને એક જ મંચ પર લાવવામાં આવી છે. તેને નાગરિકો, સંશોધકો અને અન્ય વપરાશકર્તાઓ માટે વધુ સુલભ અને આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
પીએમએમએલ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ, નવો પોર્ટલ અગાઉ અલગ-અલગ ઉપલબ્ધ વેબસાઇટો અને ડિજિટલ સેવાઓને એકસાથે જોડે છે. તેનો હેતુ વપરાશકર્તાઓને અલગ-અલગ વેબસાઇટો પર જવાની જરૂરિયાત ઘટાડવાનો અને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય સાથે જોડાયેલી સામગ્રી, સેવાઓ તથા અભિલેખીય સંસાધનો સુધી સરળ પહોંચ ઉપલબ્ધ કરાવવાનો છે.
પોર્ટલમાં મોબાઇલ-અનુકૂળ ડિઝાઇન અને તમામ નાગરિકો માટે સુલભ સુવિધાઓ આપવામાં આવી છે. તેમાં નાગરિક સહાય માટે ઇન્ટેલિજન્ટ અસિસ્ટન્સ, સ્માર્ટ સર્ચ અને એનાલિટિક્સ, તેમજ કાર્યક્રમોની માહિતી, ટિકિટ વ્યવસ્થાપન, ડાઉનલોડ રિપોઝિટરી અને ફોટો તથા વીડિયો ગેલેરી જેવી સુવિધાઓ સામેલ છે.
નવા પોર્ટલમાં ડાયનેમિક કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે. ઉપરાંત, એઆઈ આધારિત ચેટબોટ પણ સામેલ કરવામાં આવ્યો છે, જેને ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ચેટબોટ નાગરિકોને માહિતી ઉપલબ્ધ કરાવવામાં અને તેમનો પ્રતિસાદ મેળવવામાં મદદ કરશે. પોર્ટલમાં ઓટો-આર્કાઇવિંગ વર્કફ્લો, ઇન્ટેલિજન્ટ કન્ટેન્ટ ડિસ્કવરી અને રિયલ ટાઈમ એંગેજમેન્ટ ડેશબોર્ડ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.
પીએમએમએલ અનુસાર, પોર્ટલને આધુનિક ટેકનિકલ વ્યવસ્થા પર તૈયાર કરવામાં આવ્યો છે. તે જીઆઈજીડબલ્યુ અને ડબલ્યુસીએજી ઍક્સેસિબિલિટી ધોરણો તથા સીઇઆરટી -ઇન ના સુરક્ષા ધોરણોને અનુરૂપ છે. તેમાં અલગ-અલગ વપરાશકર્તાઓ માટે ભૂમિકા આધારિત ઍક્સેસ કંટ્રોલ અને વ્યાપક ઓડિટ ટ્રેલની સુવિધા પણ છે.
પોર્ટલ લોન્ચ કરતાં પીએમએમએલના નિર્દેશક અશ્વિની લોહાણીએ કહ્યું કે, નવો પીએમએમએલ પોર્ટલ સુલભ અને ભવિષ્ય માટે તૈયાર ડિજિટલ જાહેર સેવાઓ પ્રત્યે સંસ્થાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે કહ્યું કે, તેનો હેતુ ભારતની સમૃદ્ધ રાજકીય અને સાંસ્કૃતિક ધરોહરને સંરક્ષિત કરવાની સાથે સાથે તેને નાગરિકો અને વિશ્વભરના સંશોધકો માટે ઉપલબ્ધ કરાવવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ