
કાઠમંડુ, નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) નેપાળમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના વરિષ્ઠ નેતા બાલેન્દ્ર શાહના નેતૃત્વમાં બે-તૃતીયાંશ બહુમતીની સરકાર બન્યા બાદથી સિવિલ સર્વિસ કર્મચારીઓના રાજીનામામાં તેજી આવી છે. સરકારની પ્રસ્તાવિત નીતિઓ અને કાર્યશૈલીથી અસંતોષ વ્યક્ત કરતાં સચિવથી લઈને નીચલા વહીવટી સ્તર સુધીના કર્મચારીઓ પદ છોડીને જઈ રહ્યા છે.
માહિતી અને સંચાર મંત્રાલયના સચિવ ડૉ. કમલપ્રસાદ પોખરેલ અને વડાપ્રધાન તથા મંત્રિપરીષદ કાર્યાલયના સચિવ બાબુરામ અધિકારીએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. સરકારી પ્રવક્તા સસ્મિત પોખરેલે જણાવ્યું કે મંગળવારે યોજાયેલી મંત્રિપરીષદની બેઠકમાં બંને અધિકારીઓના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા હતા.
પોખરેલનું 13 દિવસ પહેલાં જ માહિતી તથા સંચાર મંત્રાલયમાં સ્થાનાંતરણ કરવામાં આવ્યું હતું. તેમની સેવા અવધિ હજુ લગભગ એક વર્ષથી વધુ બાકી હતી. તેઓ આ પહેલાં રાષ્ટ્રીય આંકડા કાર્યાલયના મુખ્ય આંકડા અધિકારી તરીકે કાર્યરત હતા.
વડાપ્રધાન તથા મંત્રિપરીષદ કાર્યાલયના સચિવ બાબુરામ અધિકારી ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ફરજિયાત નિવૃત્ત થવાના હતા. સરકારના સંઘીય નાગરિક સેવા વિધેયકના મુસદ્દાને આગળ વધારવામાં આવ્યા બાદ કર્મચારીઓમાં અસંતોષ વધુ વધ્યો છે. પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ 55 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂકેલા તથા 30 વર્ષની સેવા અવધિ પૂર્ણ કરનાર કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવાની યોજના બનાવવામાં આવી રહી છે.
હાલ સુધીમાં લગભગ એક ડઝન સહસચિવ, ત્રણ ડઝન ઉપસચિવ તથા મોટી સંખ્યામાં અન્ય કર્મચારીઓ રાજીનામું આપી ચૂક્યા છે. વરિષ્ઠ અધિકારીઓના સતત પદ છોડવાથી સરકારી કામકાજ અને વહીવટી નિર્ણય પ્રક્રિયા પર પડતા પ્રભાવ અંગે પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ