
નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં ચલાવવામાં આવી રહેલા 'હર ઘર તિરંગા 2026' અભિયાન હેઠળ ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને બુધવારે સાંસદો સાથેની વિશેષ બાઇક રેલીને લીલી ઝંડી બતાવી રવાના કરી. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત આ રેલી રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના 150મા વર્ષના ઉપલક્ષ્યમાં કાઢવામાં આવી હતી.
રેલીમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ, રાજીવ રંજન સિંહ, ગજેન્દ્ર સિંહ શેખાવત, વીરેન્દ્ર કુમાર, જી. કિશન રેડ્ડી અને જીતેન્દ્ર સિંહ સહિત અનેક સાંસદો અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ જોડાયા હતા.
આ અવસરે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને સ્વતંત્રતા દિવસના અવસરે પોતાના ઘરો પર તિરંગો ફરકાવી રાષ્ટ્ર પ્રત્યે સન્માન અને એકતાનો સંદેશ આપવાનો આહ્વાન કરવામાં આવ્યું.
કાર્યક્રમને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને કહ્યું કે, 'વંદે માતરમ્' ભારતની આઝાદીની લડાઈમાં લોકોમાં દેશભક્તિની ભાવના જગાવનાર સૌથી મોટી પ્રેરણા બની. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા સંગ્રામે ભાષા, પ્રદેશ અને ધર્મથી ઉપર ઊઠીને સમગ્ર દેશને એક સૂત્રમાં બાંધ્યો અને 'વંદે માતરમ્' આ રાષ્ટ્રીય ચેતનાનું સૌથી શક્તિશાળી પ્રતીક રહ્યું. તેમણે તાજેતરમાં અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહના શ્રી વિજયપુરમ સ્થિત ફ્લેગ પોઇન્ટ પર તિરંગો ફરકાવી 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆતનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ એ જ ઐતિહાસિક સ્થળ છે, જ્યાં સુભાષચંદ્ર બોઝે 30 ડિસેમ્બર 1943ના રોજ તિરંગો ફરકાવી અંડમાન-નિકોબારને બ્રિટિશ શાસનથી મુક્ત જાહેર કર્યું હતું.
રેલીમાં જોડાયેલા સાંસદો અને યુવાનોએ હાથમાં તિરંગો લઈને દેશની એકતા, અખંડતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરી દોહરાવી.
ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે, તિરંગો માત્ર રાષ્ટ્રીય ધ્વજ નથી, પરંતુ 140 કરોડ ભારતીયોના સંકલ્પ, આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ યાત્રા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને નમન કરવાની સાથે દેશની નવી પેઢીના ઉજ્જ્વળ ભવિષ્યનો પણ ઉત્સવ છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ