
વોશિંગ્ટન, નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.). વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ ખૂબ જ જલ્દી પોતાનું પદ છોડી દેશે. તેમને વ્હાઇટ હાઉસમાં સૌથી શક્તિશાળી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના અધિકારી માનવામાં આવે છે. ટ્રમ્પે લેવિટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. રાષ્ટ્રપતિએ આ મહિનાના અંત સુધીમાં વ્હાઇટ હાઉસમાંથી કેરોલિન લેવિટની થનારી વિદાયની જાણકારી પોતાના ટ્રુથ સોશિયલ પર બુધવારે આપી. તેમણે લખ્યું, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ મારા સૌથી ભરોસાપાત્ર સહયોગીઓમાંથી એક છે. તેઓ મહિનાના અંતમાં પોતાનું પદ છોડી દેશે. ત્યારબાદ તેઓ પોતાનો વધુમાં વધુ સમય પરિવાર અને પોતાના વ્હાલા અને નાના બાળકો સાથે વિતાવશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું, હું લેવિટના આ નિર્ણયનો સંપૂર્ણપણે સન્માન કરું છું. કેરોલિન હવે મારા બાહ્ય સલાહકારોમાં સૌથી મુખ્ય હશે અને રિપબ્લિકન પાર્ટીમાં પ્રભાવશાળી અવાજ બનશે. તેઓ મધ્યસત્ર ચૂંટણીમાં સહયોગ કરશે. કેરોલિને વ્હાઇટ હાઉસમાં શાનદાર નેતૃત્વ કર્યું છે. તેમણે 2018 થી ન્યાય, આઝાદી અને સ્વતંત્રતા માટે લડત આપી છે. આમાં 2024ની ઐતિહાસિક ચૂંટણી ઝુંબેશ પણ સામેલ છે. કેરોલિનની ગણતરી વ્હાઇટ હાઉસના ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ પ્રેસ સેક્રેટરીઓમાંની એક તરીકે કરવામાં આવશે. આ માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
આ ઘટનાક્રમ પર સીએનએનની રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, મધ્યસત્ર ચૂંટણીમાં હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવા સમયે વ્હાઇટ હાઉસમાંથી રાષ્ટ્રપતિના સૌથી નજીકના સહયોગીઓમાંના એકનું જવું એક મોટો બદલાવ હશે. આ બદલાવ ટ્રમ્પ માટે એક મુશ્કેલ સમયમાં થઈ રહ્યો છે. ઇરાન સાથે ચાલી રહેલા યુદ્ધ અને ગેસની ઊંચી કિંમતો વચ્ચે તેમની એપ્રુવલ રેટિંગ ઓછી છે અને મોટાભાગના અમેરિકનો માને છે કે તેમણે દેશની સૌથી મહત્વપૂર્ણ સમસ્યાઓ પર ધ્યાન આપ્યું નથી. 28 વર્ષીય લેવિટ સૌથી ઓછી ઉંમરના વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી બનીને ઇતિહાસ રચી ચૂક્યા છે.
ટ્રમ્પના પહેલા કાર્યકાળની સરખામણીમાં લેવિટ બીજા કાર્યકાળમાં સૌથી શક્તિશાળી અધિકારી બનીને ઉભરી આવ્યા. તેમણે રાષ્ટ્રપતિ અને તેમની નીતિઓનો મજબૂતીથી બચાવ કર્યો. મુશ્કેલ સવાલો પૂછનારા પત્રકારો સાથે ભલે તેઓ ભીડ્યા, પણ મૈત્રીપૂર્ણ સંબંધો ક્યારેય તોડ્યા નહીં. માઇક્રોફોન પાછળ અને સોશિયલ મીડિયા પર તેમણે પોતાને એક સારી પત્ની અને કાર્યકારી માતા તરીકે રજૂ કર્યા. તેઓ પોતાના નાના પુત્ર નિકોને એર ફોર્સ વન અને ઓવલ ઓફિસ લઈ જતા રહ્યા છે. વ્હાઇટ હાઉસમાં ઇસ્ટર એગ રોલ અને હેલોવીન સેલિબ્રેશન દરમિયાન પોતાના પતિ સાથે ફોટો પડાવતા રહ્યા છે. જાતે એપલ પાઇ બનાવતા રહ્યા છે અને પોતાની નવજાત પુત્રી વિવિયાના સાથે પ્રેમભર્યા પળો વિતાવતા રહ્યા છે.
લેવિટે ટ્રમ્પની પોસ્ટ પછી સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, સત્ય તો એ છે કે પુત્રીના જન્મ પછી વ્હાઇટ હાઉસ પાછા ફરવા પર મને દિલથી અનુભવાયું કે મારે હવે શ્રેષ્ઠ માતા બનવા માટે કંઈક વિચારવું પડશે. વ્હાઇટ હાઉસ છોડવાના નિર્ણયથી હું ખુશ પણ છું અને દુઃખી પણ છું. ઉલ્લેખનીય છે કે, 1 મેના રોજ પુત્રીના જન્મ પછી લેવિટે વ્હાઇટ હાઉસમાંથી લગભગ એક મહિનાની રજા લીધી હતી. જ્યારે જુલાઈ 2024માં લેવિટના પહેલા બાળકનો જન્મ થયો, ત્યારે તેમણે ફક્ત ચાર દિવસની રજા લીધી હતી.
ટ્રમ્પના પહેલા કાર્યકાળ પછી લેવિટે પોતાના ગૃહ રાજ્ય ન્યૂ હેમ્પશાયરથી કોંગ્રેસની સામાન્ય ચૂંટણી લડી, પરંતુ હારી ગયા. પછી 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ એક ભરોસાપાત્ર ચહેરો બની ગયા. હવે જેમ જેમ 2026ની મધ્યસત્ર ચૂંટણીની ગરમાગરમી વધી રહી છે, લેવિટ બહારથી એક મહત્વપૂર્ણ સંદેશવાહક તરીકે ઉભરી શકે છે. તેમણે બુધવારે લખ્યું પણ, હું હંમેશા રિપબ્લિકન પાર્ટીની સમર્થક રહીશ. બીજી તરફ, વ્હાઇટ હાઉસમાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે લેવિટની જગ્યા કોણ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ