નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહને તુર્કિયેનું ઔપચારિક આમંત્રણ
કાઠમંડુ, નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહને તુર્કિયે તરફથી ઔપચારિક આમંત્રણ મળ્યું છે. આ આમંત્રણ દ્વિપક્ષીય મુલાકાત માટે નહીં, પરંતુ હવામાન પરિવર્તન સંબંધિત 31મા સંયુક્ત રાષ્ટ્ર હવામાન સંમેલનમાં ભાગ લેવા માટે આપવામાં આવ્ય
નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ


કાઠમંડુ, નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહને તુર્કિયે તરફથી ઔપચારિક આમંત્રણ મળ્યું છે. આ આમંત્રણ દ્વિપક્ષીય મુલાકાત માટે નહીં, પરંતુ હવામાન પરિવર્તન સંબંધિત 31મા સંયુક્ત રાષ્ટ્ર હવામાન સંમેલનમાં ભાગ લેવા માટે આપવામાં આવ્યું છે.

વડાપ્રધાન શાહને વિદેશ યાત્રા માટે મળેલું આ બીજું ઔપચારિક આમંત્રણ છે. આ પહેલાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને ભારત મુલાકાત માટે આમંત્રિત કર્યા હતા. ભારતના આમંત્રણના જવાબમાં નેપાળના વિદેશ મંત્રાલયે વડાપ્રધાન શાહ તરફથી જણાવ્યું છે કે તેઓ યોગ્ય સમયે ભારતની મુલાકાત લેશે. જોકે, તુર્કિયેના રાષ્ટ્રપતિના આમંત્રણનો જવાબ નેપાળ તરફથી હજી મોકલાયો નથી.

તુર્કિયે આ વર્ષે 9 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી સંયુક્ત રાષ્ટ્ર હવામાન સંમેલનનું આયોજન કરી રહ્યું છે. રાષ્ટ્રીય સભાની વિકાસ, આર્થિક બાબતો તથા સુશાસન સમિતિની બેઠકમાં વિદેશ મંત્રાલયના સંયુક્ત રાષ્ટ્ર વિભાગના પ્રમુખ સહસચિવ કૃષ્ણપ્રસાદ ઢકાલે આ માહિતી આપી.

ઢકાલે સમિતિની બેઠકમાં જણાવ્યું કે, તુર્કિયેના રાષ્ટ્રપતિ તરફથી મળેલું આમંત્રણ વડાપ્રધાન તથા મંત્રીપરિષદ કાર્યાલયને મોકલી દેવામાં આવ્યું છે. જોકે, વડાપ્રધાન સંમેલનમાં ભાગ લેશે કે નહીં, તે અંગે હજી કોઈ નિર્ણય થયો નથી. વડાપ્રધાન શાહ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રમાં પણ ભાગ નહીં લે. તેમની જગ્યાએ વિદેશ મંત્રી શિશિર ખનાલને મોકલવાની તૈયારી છે.

તુર્કિયેએ હવામાન પરિવર્તનના દૃષ્ટિકોણથી સંવેદનશીલ પર્વતીય દેશ નેપાળને વિશેષ મહત્વ આપીને આ આમંત્રણ આપ્યું છે. નેપાળ આંતરરાષ્ટ્રીય મંચો પર ખાસ કરીને એવા પર્વતીય દેશોનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે, જ્યાં હવામાન પરિવર્તનના કારણે હિમનદો ઝડપથી પીગળી રહ્યા છે. નેપાળે હવામાન પરિવર્તનના મુદ્દે ‘સગરમાથા સંવાદ’ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande