
ભરૂચ,17 ઓગસ્ટ (હિ.સ.) અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે આવેલ ડી-13, અશોક વાટિકા સોસાયટીમાં રહેતા અને દેશસેવાના ઉત્કૃષ્ટ વિચારો ધરાવતા યુવાન હર્ષ પટેલે ભારતીય સેનામાં 'અગ્નિવીર' તરીકે પસંદગી પામીને સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. દેશની રક્ષા માટે કટિબદ્ધ થયેલા હર્ષ પટેલે મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આર્મીના તાલીમ કેન્દ્રમાં સતત 8 મહિનાની અત્યંત કઠિન અને સઘન શારીરિક તેમજ માનસિક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. પોતાની તાલીમ પૂર્ણ કર્યા બાદ પ્રથમ વખત વતન પરત ફરેલા દેશના આ વીર જવાનનું અંકલેશ્વર અને અંદાડા ગામના ગ્રામજનો, પરિવારજનો તથા સ્નેહીઓ દ્વારા ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વતનની માટીમાં પરત ફરેલા જવાનને જોઈને પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે હર્ષ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી. તાલીમ દરમિયાન મેળવેલા શિસ્ત અને દેશપ્રેમના સંસ્કારો સાથે વતન આવેલા હર્ષ પટેલ આગામી 15 દિવસ સુધી પરિવાર સાથે રજા ગાળશે. આ ટૂંકા રોકાણ બાદ તેઓ દેશની સુરક્ષાના મહત્વના મોરચા એવા પંજાબ ખાતે પોતાના પ્રથમ પોસ્ટીંગ માટે રવાના થશે. દેશની સરહદો સાચવવા અને માતૃભૂમિનું રક્ષણ કરવા માટે જઈ રહેલા અંકલેશ્વરના આ પુત્રની દેશદાઝને સમગ્ર પંથકે બિરદાવીને ઉજ્જવળ ભવિષ્યની અનેક શુભકામનાઓ પાઠવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ