
જુનાગઢ, 17 ઓગસ્ટ (હિ.સ.) : પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કૃષિ પેદાશોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાના હેતુથી વંથલી ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશો વેચાણ કેન્દ્રનો તા.18 ઓગસ્ટ 2026 ના પ્રારંભ કરવામાં આવશે. આ વેચાણ કેન્દ્રના માધ્યમથી ખેડૂતોને તેમના પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે યોગ્ય ભાવ અને બજારની સુવિધા ઉપલબ્ધ થશે, જ્યારે ગ્રાહકોને તાજી અને ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક કૃષિ પેદાશો સીધી ખેડૂતો પાસેથી મળી રહેશે.
વંથલીના તાલુકા પશુ દવાખાનું ખાતે શરૂ થનાર આ વેચાણ કેન્દ્રમાં ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત અનાજ, કઠોળ, શાકભાજી, ફળો તેમજ અન્ય કૃષિ પેદાશો સીધા ગ્રાહકોને વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટ, જૂનાગઢના સંકલનથી શરૂ થનાર આ વેચાણ કેન્દ્ર દર મંગળવારે સાંજે 4 થી 6 કલાક દરમિયાન કાર્યરત રહેશે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સાથે ખેડૂતોને બજાર સાથે સીધા જોડવાનો આ પ્રયાસ ખેડૂતો અને ગ્રાહકો બંને માટે લાભદાયી બની રહેશે. આમ, અહીંથી પ્રાકૃતિક કૃષિ પેદાશોની ખરીદી કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ