



કચ્છ, 17 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના બન્ની વિસ્તારને ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટે અનુકૂળ કુદરતી આવાસ તરીકે વિકસાવવાની દિશામાં વનવિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ રહી છે. આ પ્રયાસના ભાગરૂપે સ્વાતંત્ર્ય પર્વના દિવસે વધુ ૨૦ કાળિયારને બન્નીના વિશાળ ગ્રાસલેન્ડમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા. શાકાહારી વન્યજીવોની સંખ્યા વધારવાના આ પ્રયાસથી બન્નીના ઘાસિયા પર્યાવરણમાં જૈવ વિવિધતા અને કુદરતી સંતુલન વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
બન્ની ગ્રાસલેન્ડના નાયબ વનસંરક્ષક નેવીલ ચૌધરીના જણાવ્યા મુજબ, ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત બન્નીની ઇકોસિસ્ટમને ચિત્તા માટે અનુકૂળ બનાવવા માટે તૃણાહારી વન્યજીવોના પુનઃસ્થાપન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ૨૦ કાળિયારને વિશેષ એમ્બ્યુલન્સ મારફતે જામનગરથી કચ્છ લાવવામાં આવ્યા હતા. લાંબી મુસાફરી બાદ નવા વાતાવરણ સાથે તેઓ સરળતાથી અનુકૂળ થઈ શકે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી તેમની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાળિયારને શરૂઆતમાં બોમા એન્ક્લોઝરમાં રાખી સ્થાનિક વાતાવરણ, પાણી અને કુદરતી ખોરાકથી પરિચિત કરાયા બાદ સોફ્ટ રિલીઝ પદ્ધતિથી ખુલ્લા ગ્રાસલેન્ડમાં છોડવામાં આવ્યા હતા. સ્થળાંતર પહેલાં તમામ કાળિયારનું જરૂરી આરોગ્ય પરીક્ષણ અને હેલ્થ સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું.
ચિત્તાના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને બગડીયા વિસ્તારમાં આશરે ૬૬૦ એકરમાં ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. અહીં વિવિધ દેશી ઘાસની જાતોના વાવેતર અને ઉછેર સાથે વન્યજીવોના આરોગ્યની દેખરેખ માટે પશુ હોસ્પિટલ, દવાઓ અને જરૂરી તબીબી સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. નિષ્ણાત તબીબોની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે.
અગાઉના તબક્કાઓ સહિત અત્યારસુધી ૨૦૦થી વધુ કાળિયારને બન્નીના સંવર્ધન વિસ્તારમાં લાવી પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. કાળિયાર જેવા તૃણાહારી પ્રાણીઓ ઘાસના મેદાનોની કુદરતી પ્રક્રિયાને વેગ આપે છે, જેના કારણે સમગ્ર ઇકોસિસ્ટમ વધુ સક્રિય અને સમૃદ્ધ બની શકે છે. બન્નીમાં ચિત્તાના આગમન માટે જરૂરી કુદરતી આધારભૂત માળખું તૈયાર કરવાની દિશામાં આ કામગીરીને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar