
કચ્છ, 17 ઓગસ્ટ (હિ.સ.) : પૂર્વ કચ્છ LCBની ‘Mission Fugitive’ હેઠળ મોટી સફળતા, રાપર અને થરાદ પોલીસ સ્ટેશનના ત્રણ પ્રોહિબિશન ગુનાઓમાં વોન્ટેડ આરોપીની ધરપકડ. પૂર્વ કચ્છ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી કાયદાની પકડમાં લાવવા માટે શરૂ કરવામાં આવેલા “Mission Fugitive” અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. LCBની ટીમે રાપર તથા થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી સામખીયાળી હાઇવે પરથી ઝડપી પાડ્યો છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ તંત્રને સક્રિય કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સતત બાતમીદારોના સંપર્કમાં રહી ફરાર આરોપીઓ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી.
દરમિયાન LCBની ટીમ સામખીયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે રાપર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપી પોતાની કિયા કાર, રજીસ્ટ્રેશન નંબર GJ-07-DG-3387 લઈને સામખીયાળી હાઇવે પરથી પસાર થવાનો છે. બાતમીને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સામખીયાળી ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. પોલીસ ટીમે શંકાસ્પદ વાહન પર નજર રાખી યોગ્ય સમયે કારને રોકી તેમાં સવાર આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો. તપાસમાં આરોપીની ઓળખ સદારામ મેવારામ મેઘવાલ, ઉંમર 32 વર્ષ, રહે. સોબાલા દસાંત, તાલુકો સેડવા, જિલ્લો બાડમેર, રાજસ્થાન તરીકે થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી રાપર પોલીસ સ્ટેશનના ગુના નં. 0317/25 અને 0087/25 તથા થરાદ પોલીસ સ્ટેશનના ગુના નં. 1048/25માં પ્રોહિબિશન કાયદાની કલમો હેઠળ નોંધાયેલા કેસોમાં નાસતો ફરતો હતો. આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સામખીયાળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરી LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ તથા LCBના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. “Mission Fugitive” અંતર્ગત થયેલી આ કાર્યવાહીથી લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસની સતત કામગીરી વધુ મજબૂત બની હોવાનું સામે આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar