

પોરબંદર, 17 ઓગસ્ટ (હિ.સ.) - શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદર ખાતે આગામી 29 નવેમ્બર, 2026 ના રોજ ‘પોરબંદર કોસ્ટલ હાફ મેરાથોન-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘Run by the coast, feel the pride!’ના સંદેશ સાથે યોજાનારી આ મેરાથોનના ઓનલાઈન રજીસ્ટ્રેશનનો શુભારંભ જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યો હતો. મેરાથોનનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો તેમજ યુવાનો અને રમતવીરોને દોડ તથા રમતગમત તરફ પ્રોત્સાહિત કરવાનો છે.
દરિયાકાંઠાના પોરબંદરમાં યોજાનારી આ મેરાથોનમાં વિવિધ વયજૂથના દોડવીરોને ભાગ લેવાની તક મળશે. મેરાથોનમાં 6થી 10 વર્ષના બાળકો માટે 2 કિ.મી. કિડ્સ રનનું આયોજન કરવામાં આવ્યું છે. 14 વર્ષથી વધુ વયના લોકો માટે 5 કિ.મી. ફન રન રહેશે, જે નોનકોમ્પિટિટિવ કેટેગરી છે. 10થી 14 વર્ષની વયના સ્પર્ધકો માટે 5 કિ.મી. કોમ્પિટિટિવ કેટેગરી રાખવામાં આવી છે. આ ઉપરાંત 14થી 30, 30થી 45 અને 45 વર્ષથી વધુ વયજૂથ માટે 10 કિ.મી. કોમ્પિટિટિવ દોડનું આયોજન કરવામાં આવ્યું છે. 21.1 કિ.મી.ની હાફ મેરાથોનમાં પણ આ જ ત્રણ વયજૂથમાં દોડવીરો ભાગ લઈ શકશે. મેરાથોનમાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકો શ્રી રામ સી સ્વિમિંગ ક્લબની અધિકૃત વેબસાઇટ www.srssc. org અથવા Google Play Store પર ઉપલબ્ધ એપ્લિકેશન મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.
વધુ માહિતી માટે 9426226267,8866220061 ,9979441683 અને 9427501455 પર સંપર્ક કરી શકાશે. ઈમેઈલ દ્વારા માહિતી માટે srssc01@gmail.com પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવ્યું છે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદરના રમતવીરો, યુવાનો અને નાગરિકોને મોટી સંખ્યામાં જોડાઈને કોસ્ટલ હાફ મેરાથોનને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya