
પોરબંદર, 17 ઓગસ્ટ (હિ.સ.) - પોરબંદરમાં મોબાઇલ ખરીદ્યા બાદ ઓનલાઇન પેમેન્ટ કર્યું હોવાનો ખોટો સ્ક્રીનશોટ વોટ્સએપ પર મોકલી દુકાનદાર પાસેથી રૂ.1.34 લાખનો આઇફોન લઈ જવાના અનડીટેક્ટ ગુનાનો કીર્તિમંદિર પોલીસે ભેદ ઉકેલી આરોપી રાજુ પોલાભાઈ ભુતીયા (33), મૂળ દેવડા ગામ, તા. કુતિયાણા અને હાલ નાઘેડી, જામનગરને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી આઇફોન-17 પ્રો 256 જીબી રૂ.1.34 લાખ અને વીવો V50 મોબાઇલ રૂ.25 હજાર મળી કુલ રૂ.1.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ફરિયાદ મુજબ આરોપીએ મોબાઇલની દુકાને જઈ આઇફોન-17 પ્રો ખરીદ્યો હતો. ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કર્યું હોવાનો ખોટો સ્ક્રીનશોટ વોટ્સએપ પર મોકલી દુકાનદારને વિશ્વાસમાં લીધો હતો અને થોડીવારમાં પેમેન્ટ આવી જશે તેમ કહી મોબાઇલ લઈ ગયો હતો. બાદમાં પેમેન્ટ ન થતાં છેતરપિંડી થયાની ફરિયાદ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. અગાઉ પણ આ જ રીતે આઇફોન લીધાની કબૂલાત પોલીસ તપાસમાં આરોપીએ કબૂલાત કરી હતી કે આશરે એક મહિના પહેલાં જામનગર ટાઉનહોલ પાસે આવેલી સનરાઇઝ મોબાઇલ નામની દુકાનમાંથી પણ આ જ મોડસ ઓપરેન્ડીથી દુકાનદારને છેતરી રૂ.82 હજારનો આઇફોન-16 પ્રો લીધો હતો. આરોપી શહેરો અને જિલ્લાઓમાં અલગ-અલગ મોબાઇલ દુકાનોમાં જઈ ઓનલાઇન બેંકિંગ એપ મારફતે અન્ય તારીખનું શેડ્યૂલ પેમેન્ટ કરી તેનો સ્ક્રીનશોટ દુકાનદારને મોકલી મોબાઇલ લઈ જતો હતો.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના તથા પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા અને કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપી બંદર રોડ સ્મશાન ગેઇટ પાસે હોવાની બાતમી મળતાં તેને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya