
આણંદ/અમદાવાદ, 17 ઓગસ્ટ (હિ.સ.) : આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વટાદરા અને વત્રા ગામની સીમ વિસ્તારમાં કથિત રીતે ઝેરી ગેસ છોડવામાં આવતા હાહાકાર મચી ગયો છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ ગેસના કારણે આસપાસના જનજીવન, પશુ-પક્ષીઓ તેમજ ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ઘટનામાં અંદાજે 200 જેટલા જંગલી બબ્લર પક્ષીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
ગેસના ફેલાવાને કારણે આસપાસના રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ, ગૂંગળામણ અને આંખોમાં બળતરા થવાની ફરિયાદો સામે આવી છે. કેટલાક લોકોને ઉલ્ટીની પણ તકલીફ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ગામની આજુબાજુના ખેડૂતોના જણાવ્યા મુજબ ઝેરી ગેસ વાતાવરણમાં ફેલાયા બાદ ખેતરોમાં ઉભેલો લીલો ડાંગરનો પાક પીળો પડી ગયો હતો. ખેડૂતોના પ્રાથમિક અંદાજ મુજબ આશરે 400 વીઘા જેટલા પાકને નુકસાન થયું છે. જ્યારે સ્થાનિક ખેડૂત સુજલ પટેલના જણાવ્યા મુજબ નુકસાનનો વિસ્તાર આશરે 500 વીઘા જેટલો હોઈ શકે છે.
કથિત ઝેરી ગેસના પ્રભાવવાળા વિસ્તારમાં ઝાડ પર બેઠેલા પક્ષીઓ અચાનક તડફડાટ સાથે નીચે પડવા લાગ્યા હતા. થોડા જ સમયમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. સ્થળ પર તપાસ કરતા ગેસની તીવ્ર દુર્ગંધ પણ અનુભવાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ જાગૃત નાગરિકો દ્વારા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને ઈ-મેલ મારફતે કરવામાં આવી છે. કથિત રીતે ઝેરી ગેસ છોડતી કંપનીઓ સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક તપાસ કરાવી જવાબદારો સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ખંભાત રેન્જ ફોરેસ્ટ ઓફિસર દેસાઈના જણાવ્યા મુજબ મરણ પામેલા જંગલી બબ્લર એટલે કે વન લલેડુ પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે પશુ દવાખાના ખાતે ખસેડવામાં આવ્યા છે. વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી મૃત પક્ષીઓને કબજે લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.
મોતનું સચોટ કારણ જાણવા સેમ્પલ FSLમાં મોકલાયા
ખંભાતના પશુ ચિકિત્સા અધિકારી ડૉ.ઋચિક આંજણાએ જણાવ્યું હતું કે પેનલ ડોક્ટર દ્વારા મૃત પક્ષીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પક્ષીઓના મોતનું સચોટ કારણ જાણવા માટે જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને FSLમાં મોકલવામાં આવ્યા છે. FSL રિપોર્ટ આવ્યા બાદ જ પક્ષીઓના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
જીપીસીબી આણંદના રિજનલ ઓફિસર પવન શર્માના જણાવ્યા મુજબ સમગ્ર મામલે ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે. ખેતર, ઝાડ સહિત આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સાથે જ સંબંધિત કંપનીઓની પણ મુલાકાત લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જીપીસીબી દ્વારા હવામાં રહેલા Ambient Airના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સંબંધિત કંપનીઓની ચિમનીમાંથી પણ સેમ્પલ લેવામાં આવશે. સેમ્પલના પરિણામો અને તપાસના આધારે જો નિયમભંગ કે ઝેરી ગેસ છોડવાની બાબત સામે આવશે તો જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
તપાસ રિપોર્ટ બાદ હકીકત સ્પષ્ટ થશે
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ