
પોરબંદર, 17 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર LCBએ રાણાવાવ પોલીસ સ્ટેશનના ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. તા.24 મે 2026ના રોજ નોંધાયેલા આ ગુનામાં પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂથી ભરેલા પૂઠાના 67 બોક્સમાંથી કુલ 804 બોટલ કબજે કરી હતી. દારૂની કુલ કિંમત રૂ.5,49,600 અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો પીકઅપની કિંમત રૂ.1 લાખ મળી કુલ રૂ.6,49,600નો મુદ્દામાલ હતો.
રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ગુનાના આરોપી બોલેરો પીકઅપના ચાલકે અલગ-અલગ બ્રાન્ડની 12-12 બોટલ ભરેલા કુલ 67 પૂઠાના બોક્સમાં 804 બોટલ દારૂનો જથ્થો રાખી સ્થળ પર મૂકીને નાસી જઈ ગુનો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચૂડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના આધારે LCB I/C PI આર.કે. કાંબરીયાની રાહબરી હેઠળ ટીમે તપાસ હાથ ધરી હતી.LCBના ASI ઉદયભાઈ વરુ, HC હિમાંશુભાઈ મક્કા અને PC નટવરભાઈ ઓડેદરાને મળેલી બાતમીના આધારે રાણાવાવ પોલીસના ગુનામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપી કરણ ખીમાભાઈ કોડીયાતર (21), રહે. પાસતર ગામ, ગુરુદત્ત હોટલ પાસે, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકાને નાગકા ગામે રામાપીરના દવારા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં આરોપીને આગળની કાર્યવાહી માટે રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya