
પોરબંદર, 17 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર LCBએ મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાંટેલા ગામેથી મળી આવેલા 5 કિલો 410 ગ્રામ ગાંજાના અનડીટેક્ટેડ NDPS ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે.
તા.6 ઓગસ્ટ 2026ના રોજ કાંટેલા ગામના ઘેલાભાઈ ટપુભાઈ વિક્રમાએ મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેમના ઘરના ફરિયામાં આવેલા બાથરૂમની બાજુમાં એક થેલામાં ચાર-પાંચ શંકાસ્પદ પેકેટ પડેલા છે. માહિતીના આધારે મિયાણી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે સ્નીફર ડોગ તથા FSL અધિકારીને સાથે રાખી ઘેલાભાઈના રહેણાંક મકાનની તપાસ કરી હતી. બાથરૂમની બાજુમાં પડેલી બેગમાંથી લીલા-પાંદડા, ડાળખા, બીજ અને ફૂલના ટોપકાવાળો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના પાંચ પેકેટ મળી આવ્યા હતા. પેકિંગ સહિત કુલ 5 કિલો 410 ગ્રામ ગાંજાની કિંમત રૂ.2,70,500 હોવાનું સામે આવ્યુંહતું. પોલીસે ગાંજો કબજે કરી અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ અનડીટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલવા જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચૂડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB I/C PI આર.કે. કાંબરીયા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. LCBના HC જીતુભાઈ દાસા અને PC અજયભાઈ ચૌહાણે બનાવના આસપાસના વિસ્તારમાં હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા માહિતી મળી હતી કે કાંટેલા ગામની જોગમાયા હોટલવાળી ગલીમાં રહેતો જય ઉર્ફે જયુ વિપુલભાઈ ગોરસેરાએ ગાંજાનો જથ્થો ઘેલાભાઈ વિક્રમાના મકાનમાં તેમની ગેરહાજરીમાં છુપાવ્યો હતો. મળેલી માહિતીના આધારે પોલીસે કાંટેલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી જય ઉર્ફે જયુ વિપુલભાઈ ગોરસેરા (ઉં.વ.21, રહે. કાંટેલા ગામ, જોગમાયા હોટલવાળી ગલી, દૂધની ડેરી સામે, તા.જી. પોરબંદર)ને ઝડપી લીધો હતો.
LCB કચેરી ખાતે પૂછપરછ દરમિયાન તેણે ગુનો કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસએ જણાવ્યું હતું. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મિયાણી મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya