
ગુવાહાટી, નવી દિલ્હી, 18 ઑગસ્ટ (હિ.સ.) આસામમાં પૂરને કારણે પાંચ જિલ્લાના 147 ગામોના 31918 નાગરિકો હજુ પણ પ્રભાવિત છે. નદીઓનું જળસ્તર સામાન્ય સ્તર સુધી પહોંચી ગયું છે. પ્રભાવિત લોકો જીવનને ફરીથી પાટા પર લાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ દરમિયાન શિવસાગર જિલ્લામાં એક વધુ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે.
મુખ્યમંત્રી ડૉ. સરમાએ સોમવારે શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાના 31,951 પૂર-પ્રભાવિત પરિવારો માટે વચગાળાની પૂર રાહત જાહેર કરી. પૂર-પ્રભાવિત પરિવારોને વચગાળાની સહાય તરીકે અત્યાર સુધીમાં 146.26 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે પૂર પ્રભાવિત લોકોને સામાન્ય જીવન શરૂ કરવામાં મદદ કરવા માટે દરેક જરૂરી સહાય આપવામાં આવશે.
આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના 17 ઑગસ્ટના આંકડા અનુસાર, બધી નદીઓ ભયજનક સપાટીથી નીચે વહી રહી છે. એક વધુ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આ રીતે, પૂરમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 106 સુધી પહોંચી ગઈ છે. પૂરથી સૌથી વધુ નુકસાન શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ જિલ્લાઓમાં થયું છે.
વર્તમાન સમયમાં પૂરની સ્થિતિ કુલ 5 જિલ્લાઓમાં યથાવત છે. પ્રભાવિત જિલ્લાઓમાં ગોલાઘાટ, શિવસાગર, નગાંવ, બિસ્વનાથ અને જોરહાટનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે પૂરથી પ્રભાવિત લોકો માટે હજુ પણ કુલ 11 રાહત શિબિરો અને 4 રાહત વિતરણ કેન્દ્રો સહિત કુલ 15 શિબિરોને કાર્યરત રાખી છે.
પૂરમાં રાહત અને બચાવ અભિયાનમાં એસડીઆરએફ, ડીડીઆરએફ, પોલીસ, અગ્નિશમન વગેરે એજન્સીઓ જોડાયેલી છે. આ દરમિયાન પૂર પ્રભાવિત વિસ્તારોમાં સોમવારે રાજ્ય સરકારે કુલ 6 મેડિકલ ટીમોને તૈનાત કરી. પૂરથી મોટા પાયે રસ્તાઓ, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ